ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે કેન વિલિયમ્સને રાજીનામું આપ્યું, ટિમ સાઉથીને જવાબદારી સોંપાઈ

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ગુરુવારે કહ્યું કે, કેન વિલિયમ્સને ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામુ આપ્યું છે. તેની જગ્યાએ હવે ફાસ્ટ બોલર ટિમ સાઉથી લોન્ગેસ્ટ ફોર્મેટમાં ટીમની કમાન સંભાળશે. ટોમ લેથમને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિલિયમ્સન વનડે અને T20માં ટીમની કપ્તાની કરવાનું ચાલુ રાખશે.

કેમ આપ્યું રાજીનામું?
32 વર્ષીય કેન વિલિયમસને કહ્યું કે, તેણે તેના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ કોલ લીધો છે અને આ માટે NZC સાથે ચર્ચા કરી હતી. ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડનો 31મો ટેસ્ટ કેપ્ટન બનશે અને ફાસ્ટ બોલર ડિસેમ્બરમાં પાકિસ્તાનના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરશે. બ્લેક કેપ્સ 26 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં 2 ટેસ્ટ અને 3 વનડે રમશે.

6 વર્ષ રહ્યો ટેસ્ટ કેપ્ટન
ન્યુઝીલેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે કેન વિલિયમસનનું શાસન બ્રેન્ડન મેક્કુલમ પાસેથી સંભાળ્યાના 6 વર્ષ પછી સમાપ્ત થાય છે. તેની કપ્તાની હેઠળ કિવિઝે 38માંથી 22 ટેસ્ટ જીતી છે. 2021માં ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ જિતાડવી તેની સૌથી મોટી સફળતા રહી છે.

Back to top button