વડોદરાનું કણભા ગામ પોલીસ છાવણીમાં,માતાજીની મૂર્તિ તોડી નાંખતા લોકો રોષે ભરાયા
વડોદરા, 5 માર્ચ 2024, જિલ્લાના કણભા ગામમાં વેરાઈ માતાજીના મંદિરમાંથી માતાજીની મૂર્તિને ખંડિત કરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તળાવમાં ફેંકી દેવાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો મંદિર પાસે એકઠા થયા હતાં અને માતાજીની મૂર્તિની શોધખોળ હાથ ધરી હતી. કરજણ પોલીસને પણ ઘટનાની જાણ થતાં દોડતી થઈ ગઈ હતી. લોકોએ આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.
મહિલાઓ મંદિરમાં ગઈ ત્યારે મૂર્તિ નહોતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારે કોઈ અસામાજિક તત્વો દ્વારા રવિવારે રાત્રે ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં મૂકેલી માતાજીની મૂર્તિ ખંડિત કરી હતી અને ત્યાંથી મૂર્તિ લઈને ફરાર ગયા હતા. આ ઘટનાને પગલે કણભા ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, કણભા ગામમાં આવેલા વેરાઇ માતાના મંદિરમાં બહેનો પૂજા કરવા માટે ગયા હતા, ત્યારે ખબર પડી હતી કે મૂર્તિને તોડીને કોઇ લઇ ગયું છે.
પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ આદરી
અગ્રણીઓએ કહ્યું હતું કે, પોલીસને વિનંતી કરીએ છીએ કે, આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારી લાગણી દુભાવવાનું કામ કર્યું છે, એને અમે સાંખી નહીં લઇએ.કરજણ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. કે. ભરવાડે મીડિયાને જણાવ્યું હતું કે, કણભા ગામમાં વેરાઇ માતાની મૂર્તિ તોડીને તળાવમાં ફેંકી દીધી હોવાની ઘટનાને પગલે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સ્થિતિ વણસે નહીં તે માટે હાલ કણભા ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં સંદેશખાલી ઘટના મુદ્દે ABVPના દેખાવો, પોલીસે કાર્યકરોની અટકાયત કરી