પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલનો ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ
પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. કામરાન છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન ટીમની બહાર ચાલી રહ્યો હતો. કામરાન પાકિસ્તાનની નેશનલ ટીમનો પણ ભાગ ન હતો, પરંતુ તેણે પાકિસ્તાન સુપર લીગ સહિત અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખ્યું હતું, જો કે હવે તેણે ઈન્ટરનેશનલ મેચો સિવાય તમામ ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. કામરાન અકમલે 9 નવેમ્બર 2002ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે છેલ્લી ટેસ્ટ મેચ ઓગસ્ટ 2010માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમી હતી.
2006માં ઈન્ટરનેશનલ T20માં ડેબ્યુ
જો આપણે કામરાન અકમલની T20 કારકિર્દી પર નજર કરીએ તો, આ ખેલાડીએ 28 ઓગસ્ટ 2006ના રોજ ઈંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ T20માં ડેબ્યુ કર્યું હતું. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ બ્રિસ્ટોલમાં રમાઈ હતી. જ્યારે આ વિકેટ કીપર બેટ્સમેને તેની છેલ્લી T20 મેચ 2 એપ્રિલ 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી.
2017થી પાકિસ્તાન ટીમનો ભાગ નહોતો
પાકિસ્તાની વિકેટ-કીપર બેટ્સમેન કામરાન અકમલે 23 નવેમ્બર 2002ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જો કે, તે 2017થી ઈન્ટરનેશનલ વનડેમાં જોવા મળ્યો નથી. આ વિકેટ કીપર બેટ્સમેને તેની છેલ્લી ઈન્ટરનેશનલ વનડે 2 એપ્રિલ 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
પેશાવર ઝાલિમીએ નવી જવાબદારી સોંપી
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, કામરાન અકમલને નવી જવાબદારી મળી છે. પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલિમીએ કામરાનને ટીમના બેટિંગ સલાહકાર અને માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યા છે. કામરાન પાકિસ્તાન સુપર લીગની શરૂઆત પહેલા પેશાવર ઝાલિમી ટીમ સાથે લગભગ એક સપ્તાહ વિતાવશે.