કમલા હેરિસે US પ્રમુખની ચૂંટણી લડવાની કરી સત્તાવાર જાહેરાત, ટ્રમ્પ સાથે સીધી ટક્કર
- બરાક અને મિશેલ ઓબામાએ પ્રમુખ પદ માટે કમલા હેરિસને આપ્યું સમર્થન
વોશિંગ્ટન DC, 27 જુલાઇ: અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે આજે શનિવારે સત્તાવાર રીતે પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ માહિતી આપતાં કમલા હેરિસે કહ્યું કે, તેણીએ ઉમેદવારી માટેના ફોર્મ પર હસ્તાક્ષર કર્યા છે અને પ્રમુખની ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ પ્રમુખ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપ્યા બાદ જ તેમના માટે ચૂંટણી લડવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો હતો.
Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.
I will work hard to earn every vote.
And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7
— Kamala Harris (@KamalaHarris) July 27, 2024
ટ્રમ્પ સામે કમલાનો દાવેદારી વધુ મજબૂત બની
બરાક અને મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું છે અને કહ્યું કે, તે અમેરિકાની મહાન પ્રમુખ સાબિત થશે. બરાક ઓબામાએ કમલા હેરિસને કહ્યું કે, ‘નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તમને જીત અપાવવા માટે અમે શક્ય તેટલું બધું કરીશું.’ આ સાથે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને દેશના બે સૌથી લોકપ્રિય ડેમોક્રેટ્સનું જરૂરી સમર્થન મળ્યું છે. રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના તેમના પડકારને મજબૂત બનાવતા, પ્રમુખ જો બાઈડને પ્રમુખપદની રેસમાંથી બહાર થયાના દિવસો પછી ઓબામાએ 59 વર્ષીય હેરિસને સમર્થન આપ્યું હતું.
ઓબામાએ તરત જ કમલાને સમર્થન આપ્યું ન હતું
મહત્ત્વપૂર્ણ છે કે, પ્રમુખ બાઈડને રવિવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ ઓબામાએ તરત જ હેરિસને સમર્થન આપ્યું ન હતું. ઓબામાએ ઉપપ્રમુખને સમર્થન આપવા માટે એક વીડિયો જાહેર કર્યો. ઓબામાએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘આ સપ્તાહની શરૂઆતમાં મિશેલ અને મેં મારી મિત્ર કમલા હેરિસને ફોન કર્યો હતો. અમે તેને કહ્યું કે, અમને લાગે છે કે તે યુનાઇટેડ સ્ટેટ્સની અદ્ભુત પ્રમુખ બનશે. આપણા દેશ માટે આ નિર્ણાયક સમયે, અમે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમની જીત સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરીશું. અમને આશા છે કે, તમે અમારી સાથે જોડાશો.
કમલા હેરિસે બરાક અને મિશેલનો આભાર વ્યક્ત કર્યો હતો
ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કમલા હેરિસને ફોન પર કહ્યું કે, ‘મને અને મિશેલને તમારું સમર્થન કરવામાં ખૂબ ગર્વ થાય છે અને અમે તમને આ ચૂંટણી જીતવા અને તમને ઓવલ ઓફિસ(પ્રમુખ કાર્યાલય) સુધી પહોંચાડવા માટે શક્ય તેટલી બધી મદદ કરીશું.’ મિશેલ ઓબામાએ કહ્યું કે,” મને તમારા(કમલા હેરિસ) પર ગર્વ છે. આ ઐતિહાસિક રહેશે.’ કમલા હેરિસે સમર્થન અને તેમની મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો હતી. તેમણે કહ્યું હતું કે, ‘તમારા બંનેનો આભાર. આ મારા માટે ઘણું મહત્ત્વનું છે. આપણે કંઈક સારું કરીશું.”
અમેરિકામાં 5 નવેમ્બરે પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે
મહત્ત્વપૂર્ણ છે કે, અમેરિકાના પ્રમુખ જો બાઈડને રવિવારે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી પ્રમુખની ચૂંટણી નહીં લડે. આ સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉપપ્રમુખ કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી. બાઈડન પ્રમુખપદની રેસમાંથી બહાર થયા પછી, ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી નેતાઓ તરત જ હેરિસના સમર્થનમાં ઉભા થયા. અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે પ્રમુખની ચૂંટણી પ્રસ્તાવિત છે.
આ પણ જૂઓ: જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી વચ્ચે MoU, 5 બાયો CNG પ્લાન્ટ સ્થપાશે