કમલનાથે ભાજપમાં જોડાવાની અટકળો પર મુક્યો પૂર્ણવિરામ, કહ્યું…
દિલ્હી, 17 ફેબ્રુઆરી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાની અટકળો વચ્ચે તેમણે પૂર્ણવિરામ મુક્યું છે. શનિવારે તેઓ દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે હવે કમલનાથે પોતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, ‘જો આવું કંઈ હશે તો હું પહેલા મીડિયાને જાણ કરીશ.’ કમલનાથ છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશના છિંદવાડાના પ્રવાસે હતા, જ્યાંથી તેઓ નવ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમના પુત્ર નકુલ નાથ વર્ષ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
કમલનાથે શું કહ્યું?
ભાજપમાં જોડાવાની અટકળો પર તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “હું ઉત્સાહિત નથી, ન તો આ તરફ કે ન તો તે પેલી બાજુ. જો આવું કંઈ હશે, તો હું તમને સૌથી પહેલા જાણ કરીશ.”
શું કમલનાથ કોંગ્રેસથી નારાજ છે?
એવું કહેવાય છે કે કમલનાથને રાજ્યસભાની બેઠક ન મળવાથી નારાજ છે અને ગયા વર્ષના અંતમાં પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધી પણ તેમની વિરુદ્ધ છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કમલનાથને પાર્ટીની મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ જીતુ પટવારીને જવાબદારી સોંપવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં, ભાજપે 230 સભ્યોના ગૃહમાં 163 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી અને કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચો: પંજાને બાય-બાય કરવા કમલનાથ કેમ થયા આટલા ઉતાવળા?