કમલ હાસન નહીં લડે લોકસભા ચૂંટણી, આ પાર્ટી માટે કરશે પ્રચાર, બદલામાં મળશે …
તમિલનાડુ, ૯ માર્ચ: અભિનેતા અને મક્કલ નીધી મૈયમ પાર્ટી (MNM)ના વડા કમલ હાસને લોકસભા ચૂંટણી 2024 ન લડવાની જાહેરાત કરી છે. કમલ હાસને શનિવારે લોકસભા ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) માટે પ્રચાર કરવાની વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના બદલામાં MNMને રાજ્યસભા (2025)માં એક સીટની ખાતરી આપવામાં આવી છે. મીડિયાને આપેલા નિવેદનમાં કમલ હાસને કહ્યું કે MNM લોકસભા ચૂંટણી લડી રહી નથી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં ડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધન માટે પ્રચાર કરશે.
ડીએમકે ગઠબંધન કરી રહી છે
માહિતી અનુસાર, DMK લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ, વિદુથલાઈ ચિરુથિગલ કાચી (VCK) અને મક્કલ નીધી મૈયમ પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ડીએમકેએ કોંગ્રેસને તામિલનાડુમાંથી 9 અને પુડુચેરીમાંથી 1 બેઠકની ઓફર કરી છે. અનુમાન છે કે બંને પક્ષો આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
#WATCH | MNM chief and actor Kamal Haasan met Tamil Nadu CM MK Stalin and state Minister Udhayanidhi Stalin at the DMK office in Chennai.
(Source: DMK) pic.twitter.com/cc3BiDKGCC
— ANI (@ANI) March 9, 2024
લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ
આ પહેલા ડીએમકે અને વીસીકે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. જે બાદ બંને પક્ષ સીટોની વહેંચણી પર સહમત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે VCK ચિદમ્બરમ અને વિલ્લુપુરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. VCKને બે સીટ આપતા પહેલા, DMKએ આવનારી લોકસભા ચૂંટણી માટે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ને બે-બે સીટ અને MDMKને એક સીટ આપી દીધી છે.
ગઠબંધનને 38 લોકસભા બેઠકો મળી હતી
સીટ વહેંચણી પર સહમત થતા પહેલા, કમલ હાસન અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વચ્ચે ચેન્નાઈમાં ડીએમકેના મુખ્યાલયમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કમલ હાસને કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી, તેમણે ઉમેર્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં ડીએમકે ગઠબંધન માટે પ્રચાર કરશે. મળતી માહિતી મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીએ તમિલનાડુની કુલ 39 લોકસભા સીટોમાંથી 38 પર જીત મેળવી હતી.