કલોલ : ગેરકાયદેસર અમેરિકા મોકલવા મામલે પોલીસે બે એજન્ટોની કરી ધરપકડ
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણ ખોરી મામલે આજે કલોલ તાલુકા પોલીસે બે એજન્ટો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. કલોલના બ્રીજકુમાર યાદવ અને તેના પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા સમયે અમરિકા-મેક્સિકો બોર્ડર પર આવેલી 30 ફુટ ઉંચી ટ્રમ્પ વોલ કુદવા જતા બ્રીજકુમાર યાદવનું મોત નિપજ્યું હતું. કલોલ તાલુકા પોલીસે બે એજન્ટો સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ટ્રમ્પ વોલ કુદીને અમેરિકામાં પ્રવેશ કરવા જતા બ્રીજકુમારનું મોત
કલોલ જીઆઇડીસીમાં નોકરી કરતા બ્રીજકુમાર યાદવ પરિવાર સાથે અમેરિકા જવા માંગતો હતો. જેથી તેને તેણે એજન્ટો સાથે લાખો રુપિયામાં ડીલ કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. જેમાં તેમણે મેક્સિકો-અમેરિકા બોર્ડર આવેલી ટ્રમ્પ વોલને કુદીને જવાનું નક્કી કરવામા આવ્યું હતુ. જેથી તેઓ મેક્સિકોની બોર્ડર પર પહોંચ્યા હતા. 30 ફુટ ઉંચી ટ્રમ્પ વોલ કુદીને અમેરિકામાં પ્રવેશ કરવા જતા બ્રીજકુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યોને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે 7 પૈકી બે એજન્ટોની ધરપકડ
આમ આ ઘટના બાદ ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ કરતા આ મામલામાં અમદાવાદ-ગાંધીનગરના કુલ સાત એજન્ટોના નામ સામે આવ્યા હતા. આ સાત પૈકી કલોલના જ સાહિલ વ્યાસ અને સૌરભ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બ્રીજકુમારના મોત અંગે કલોલ તાલુકા પોલીસે જુદી જુદી ધારાઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો : ચાંદખેડામાં પૂર્વ IPS અધિકારીના નામે દુષ્કર્મનો મામલો : મહિલા પોલીસે આરોપીની કરી ધરપકડ