વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ નવમીના કાર્યક્રમમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ ઉના પોલીસે સ્વયં-શૈલીક રાજકીય અને સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધ્યો છે. ગુજરાતના વડોદરામાં રામ નવમી પર થયેલા હંગામા બાદ ઉનામાં પણ સ્થિતિ તંગ બની હતી. રામ નવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ ઉનામાં તણાવનું કારણ હોવાનું કહેવાય છે. કાજલ હિન્દુસ્તાની પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. આરોપ છે કે કાજલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લોકોમાં નફરત ફેલાવી રહી છે. અચાનક લાઇમલાઇટમાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે આ સંમેલનમાં કાજલે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો હતો. તણાવ એટલો વધી ગયો કે પ્રશાસનને ભીડને શાંત કરવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા. હિંદુસ્તાની પર IPC કલમ 295(a) (ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય જે કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉના શહેર પોલીસે પણ અલગ એફઆઈઆર નોંધી છે અને રમખાણો ભડકાવવા બદલ 76 નામ સાથે અને 200 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ : ઉનાના ભડકાઉ ભાષણ બાદની હિંસામાં 50થી વધુ શખસો ડિટેઈન, જાણો શું હતી ઘટના
કાજલ હિંદુસ્તાનીની વાત કરવામાં આવે તો તેના ટ્વિટર અને તેની વેબસાઇટ મુજબ, કાજલ હિન્દુસ્તાની એક આંત્રપ્રિન્યોર, રિસર્ચ એનાલિસ્ટ, સોશિયલ વર્કર છે. તે પોતાને રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય પણ કહે છે. તેમની વેબસાઈટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 2019ની લોકસભા ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, તેમણે બીજેપી અને PM મોદીની ઘણી સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે અમેરિકાના વિવિધ શહેરોમાં પ્રવાસ કર્યા હતા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના કોટા શહેરમાં ઓમ બિરલા માટે પણ પ્રચાર કર્યો હતો. તેમણે વિવિધ ટીવી ડિબેટમાં પણ ભાગ લીધો હતો. તેમણે ગુજરાતમાં પાકિસ્તાની હિંદુઓને વસાવવાનો દાવો પણ કર્યો હતો. તેમણે ગુજરાતમાં એક ગામ દત્તક લેવાનો દાવો પણ કર્યો હતો. કાજલ હિંદુસ્તાની ભૂતકાળમાં લવ જેહાદ જેવા મુદ્દા પર પણ જાહેર મંચથી ભાષણ આપી ચૂકી છે. વર્ષ 2022 નવેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કાજલ હિન્દુસ્તાની સુરતમાં એક કાર્યક્રમમાં હજાર રહ્યા હતા અને લવ જેહાદ મુદ્દે જાગૃતિ ફેલાવવા અંગે ભાષણ પણ આપ્યું હતું.વડોદરામાં પણ રામનવમીના દિવસે વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન શાહે પત્થરમારાની ઘટના મામલે કહ્યું હતુ કે, રામયાત્રા પર પથ્થર મારનાર વિરોધીઓને અમે છોડીશું નહીં, અમારા એક પણ કાર્યકરની ધરપકડ કરવામા આવશે તો વડોદરા ભડકે બળશે, દેશ વિરોધીઓને 2002ના તોફાનો યાદ આપવી દઇશું, આ સાથે જ તેમણે કર્ણાવતીમાં પોલીસને દોડાવીને મારી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ વડોદરા પોલીસ દ્વારા રોહન શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરા : ઉશ્કેરણીજનક ઉચ્ચારણ બદલ VHPના સહમંત્રી રોહન શાહની ધરપકડ, જાણો શું કહ્યું હતુ
સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ખાસ ધર્મની ઘટના બને છે ત્યારે આસ્થાના નામે નફરતનું ઝેર ઓકતા લોકો તેના પર નજર રાખીને બેઠા હોય છે. તક મળતાં જ તેઓ નફરતના બીજ વાવવાના ચાલુ કરી દેતા હોય છે. હિન્દુઓનો તહેવાર હોય, રામનવમી હોય કે શિવરાત્રી, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પવિત્ર તહેવારો તોફાનો કર્યા વિના પૂરા થતા નથી. કેટલાક સ્વયં-ઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારકો ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરતાં રહે છે. ઉના અને વડોદરામાં જે બન્યું તે આ કૃત્યનું જીવંત ઉદાહરણ છે. દેશની શાંતિ અને ગૌરવ સાથે રમત કરનારા આવા લોકો વધી રહ્યા છે જે આપણાં સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. હાલમાં કાજલ હિન્દુસ્તાની પર પણ આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.