‘પાર્ટી લોકોને રિપીટ કરતી રહેશે તો યુવા પેઢીને શું?’, જ્યોતિ પંડ્યાએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
વડોદરા, 18 માર્ચ: ભાજપના રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી ગયા સપ્તાહે સસ્પેન્ડ કરાયા હતા. વડોદરા લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે રંજન ભટ્ટને ટિકિટ આપતાં અસંતોષ વ્યકત કરવા જ્યોતિ પંડ્યા પ્રેસ કરવાના હતા. જો કે, એ પહેલા જ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જેને લઈને તેમણે ભાજપ પર બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, બીજેપી ડાયનાસોર જેવી છે જેને ખબર નથી કે તેની પૂંછડી કચડી રહી છે. પક્ષમાં 38 વર્ષથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂકેલા પંડ્યાએ વડોદરા અને ભાજપને લગતા અનેક મુદ્દાઓ પર વાત કરીને નારાજગી પણ વ્યક્ત કરી હતી.
‘વડોદરામાં નેતાઓની કોઈ કમી નથી છતાંય ચહેરા રિપીટ થાય છે’
જ્યોતિ પંડ્યાએ કહ્યું કે, ભાજપે બે વાર મારો બાયોડેટા લીધો હતો, ત્યારે મને વિશ્વાસ હતો કે, 10 વર્ષનો કાર્યકાળ સમર્થતા સાબિત કરવા માટે પૂરતો સમય છે. છતાંય રંજન ભટ્ટને ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપવામાં આવી. જો આ સ્ત્રીની જીદ છે તો હું પણ આ મેળવી શકું છું. વડોદરામાં નેતાઓની કોઈ કમી નથી. પાર્ટીને ટકાવી રાખવા નવા ચહેરાઓની જરૂર છે. જો પાર્ટી લોકોને રિપીટ કરતા રહેશો તો યુવા પેઢી શું વિચારશે, કે આપણે પાર્ટીમાં શું કરી રહ્યા છે. પાર્ટી સૌથી નીચલા સ્તરના કાર્યકરોને પણ 24×7 સખત મહેનત કરાવે છે. તમારે બધું બાજુ પર મૂકીને પાર્ટીના ફોન કોલમાં હાજરી આપવી પડે છે. જો તમે આમ ન કરો, તો તમે પાર્ટીની બહાર!
કાર્યકરો બોલતા ડરે છે: જ્યોતિ પંડ્યા
ભાજપના કાર્યકરોને વારંવાર અપમાનિત કરવા પર જ્યોતિ પંડ્યાએ કહ્યું કે, કાર્યકરો બોલતા ડરે છે. કેમ કે, તેમને લાઇનમાં રહેવું પડશે અથવા તો સસ્પેન્ડ થવું પડશે. પક્ષપલટા દ્વારા નવા લોકોને લાવવાથી પક્ષની વિચારધારા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આજે ભાજપ એક મોટા ડાયનાસોર જેવો થઈ ગયો છે જેને ખબર નથી કે તેની પૂંછડી કચડી રહી છે. આકરા પ્રહાર કરતાં પંડ્યાએ કહ્યું કે, આવડા મહાકાય શરીરમાં ચેતાતંત્ર દ્વારા મગજ સુધી સંદેશ પહોંચતા સમય લાગશે.
મેં જે ભાજપ સાથે શરૂઆત કરી હતી તે વિશ્વાસ અને વિચારધારા પર આધારિત પાર્ટી હતી જે પ્રતિબદ્ધતાનું સન્માન કરે છે. જો કે, આજે તમે સ્હેજ પણ ખાતરી કરી શકતા નથી કે, પ્રતિબદ્ધતાનું મૂલ્ય થશે કે કેમ અને જેઓ હમણાં જ જોડાયા છે તેઓ પ્રતિબદ્ધતા બતાવશે કે નહીં. આમ, પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ જ્યોતિ પંડ્યાનું દર્દ છલક્યું હતું.
આ પણ વાંચો: ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાની પક્ષમાંથી હકાલપટ્ટી