જસ્ટિસ સંજીવ ખન્ના આજે દેશના નવા CJI તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં લેશે શપથ, જાણો તેમના વિશે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ જસ્ટિસ ખન્નાને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં 51મા CJI તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે
નવી દિલ્હી, 11 નવેમ્બર: દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. આજે સોમવારે દેશને નવા ચીફ જસ્ટિસ મળવા જઈ રહ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ તેમને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં 51મા CJI તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. સંજીવ ખન્ના દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મહત્ત્વપૂર્ણ છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ DY ચંદ્રચુડનું સ્થાન લેશે, જેઓ રવિવારે નિવૃત્ત થયા છે.
કેટલો સમય ચાલશે કાર્યકાળ?
જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ સંજીવ ખન્નાએ ઘણા મોટા કેસોની સુનાવણી કરી છે. જસ્ટિસ ખન્ના EVMની વિશ્વસનીયતા જાળવવા, ચૂંટણી બોન્ડ સ્કીમને રદ્દ કરવા, આર્ટીકલ 370 હટાવવા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે.
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. વર્ષ 2004માં તેમને દિલ્હીના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 2006માં કાયમી જજ બન્યા. આ પછી 18 જાન્યુઆરી, 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી. તેમની નિવૃત્તિ 13 મે 2025ના રોજ છે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ દેવ રાજ ખન્નાના પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એચ આર ખન્નાના ભત્રીજા છે. તેમણે પડતર કેસોને ઘટાડવા અને ન્યાયની ડિલિવરી ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે.
આ પણ જૂઓ: બેંક ખાતું નથી પણ કરવો છે UPIનો ઉપયોગ? તો જાણો આ વિગતો