નવી દિલ્હીઃ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. હાલના ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચૂડના નામની ભલામણ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. એટલે કે દેશના આગામી CJI તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પદભાર સંભાળશે. કેન્દ્રને પત્ર મોકલતાં પહેલાં મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજની મીટિંગ બોલાવી હતી. પરંપરા મુજબ દેશના હાલના CJI પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવા સરકારને એક ઔપચારિક પત્ર મોકલે છે.
કેન્દ્ર સરકાર તરફથી કાયદા મંત્રાલયે CJI લલિતને ગત દિવસોમાં અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ તેમને મોકલી દે. વરિષ્ઠતાની સૂચી મુજબ જસ્ટિસ ચંદ્રચૂડ હાલ CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે, તેથી આ પરંપરા મુજબ તેમના નામની ભલામણ સરકારને કરવામાં આવી છે.
8 નવેમ્બરે રિટાયર થશે CJI લલિત
CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022નાં રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ માત્ર 74 દિવસ જ આ પદ પર રહેશે. જસ્ટિસ લલિત 26 ઓગસ્ટ 2022નાં રોજ CJI એનવી રમન્નાનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશનાં 49માં મુખ્ય ન્યાયધીશ તરીકે નિમણૂંક થયા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો જ રહ્યો, જ્યારે કે તેમની પહેલાના મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ સરેરાશ દોઢ વર્ષ રહ્યો છે.