મેક ઇન ઇન્ડિયાની વાતો તો બહુ થાય છે પરંતુ ભારત હથિયારોની બાબતમાં હજી પણ બીજા દેશો પર નિર્ભર છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત વિશ્વનો સૌથી વધુ હથિયાર આયાત કરનાર દેશ છે. રિપોર્ટ અનુસાર, 2013-17 અને 2018-22 વચ્ચે ભારતની હથિયારોની ખરીદીમાં 11 ટકાનો ઘટાડો થયો છે, તેમ છતાં ભારત હથિયારોની આયાત કરનાર સૌથી મોટો દેશ છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વમાં જેટલા હથિયારો ખરીદાયા છે તેમાંથી 11 ટકા એકલા ભારતે ખરીદ્યા છે. સાઉદી અરેબિયા (9.6 ટકા) ખરીદી સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ કતાર (6.4%), ઓસ્ટ્રેલિયા (4.7%) અને ચીન (4.7%)નો નંબર આવે છે.
મેક ઇન ઇન્ડિયાની અસર
SIPRI દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની હથિયારોની ખરીદીમાં ઘટાડો થવાનું કારણ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે, જેના હેઠળ ભારત સરકારનો ભાર હથિયારોમાં આત્મનિર્ભર બનવા પર છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ભારતે શસ્ત્રોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્ત્વનાં પગલાં લીધાં છે. તેમાં ભારતમાં ઉત્પાદિત શસ્ત્રો માટે અલગ બજેટની જોગવાઈ, સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવી અને અનેક હથિયારોની ખરીદી પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સેનાને મળશે મિસાઈલ અને એર ડિફેન્સ હથિયાર, રક્ષા મંત્રાલયે 4,276 કરોડની ખરીદીને મંજૂરી આપી
ભારતમાં હથિયારોના ઉત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે તેની અસર એ છે કે આ બજેટમાં ભારતીય હથિયાર ખરીદવા માટે એક લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા ભારતમાં ઉત્પાદિત હથિયારો અને અન્ય સામાનની ખરીદી માટે બજેટમાં 51 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ હતી, જે આગામી વર્ષે વધારીને 70 હજાર કરોડ રૂપિયા અને પછી 84 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવે તે વધીને એક લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચો : સૌથી વધુ હથિયાર આયાત કરતું ભારત હવે નિકાસના રસ્તે, કયા દેશોમાં છે Made in India ની ડિમાન્ડ ?
સોમવારે જ સંરક્ષણ રાજ્ય મંત્રી અજાત ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં સંરક્ષણ બજેટમાં વિદેશી ખરીદી 46 ટકાથી ઘટીને 36.7 ટકા થઈ ગઈ છે. વર્ષ 2024-25 સુધીમાં ભારતે એક લાખ 75 હજાર કરોડ રૂપિયાના ભારતીય શસ્ત્રો ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે નિકાસને વધારીને 35 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
હથિયારોની નિકાસમાં અમેરિકા મોખરે
SIPRI ના અહેવાલ મુજબ, US વિશ્વનો સૌથી મોટો હથિયાર નિકાસકાર છે, જે વિશ્વની કુલ શસ્ત્રોની નિકાસમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા પછી રશિયા બીજા નંબરનું સૌથી મોટું શસ્ત્ર નિકાસકાર છે, જે શસ્ત્રોની નિકાસમાં 16 ટકા હિસ્સો ધરાવે છે. તે પછી ફ્રાન્સ (11 ટકા), ચીન (5.2 ટકા) અને જર્મની (4.2 ટકા) આવે છે. 2013 થી યુએસ શસ્ત્રોની નિકાસમાં 14 ટકાનો વધારો થયો છે, જ્યારે રશિયન શસ્ત્રોની નિકાસમાં 31 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : ભારત યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા તમામ મદદ કરવા તૈયાર : PM Modi
રશિયા પર હથિયારની નિર્ભરતા ઘટી
SIPRI રિપોર્ટમાં બીજી મહત્વની વાત એ છે કે રશિયાના હથિયારો પર ભારતની નિર્ભરતા ઘટી છે. રશિયાથી ભારતની હથિયારની આયાતમાં 37 ટકાનો ઘટાડો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે રશિયાના હથિયારોની નિકાસ પણ ઘટી ગઈ છે. તેમજ યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાના સહયોગી દેશો રશિયાના હથિયારો ખરીદવામાં રસ દાખવી રહ્યા નથી.
યુક્રેન-રશિયા યુદ્ધની અસર
યુક્રેન-રશિયા યુદ્ધના કારણે યુક્રેનની હથિયારોની ખરીદી પણ વધી છે. વર્ષ 2022માં યુક્રેન વિશ્વનો ત્રીજો સૌથી મોટો હથિયાર આયાતકાર હતો, જ્યારે 2018-22 દરમિયાન, યુક્રેન વિશ્વનો 14મો સૌથી મોટો હથિયાર આયાતકાર હતો. આમ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે હથિયારની વૈશ્વિક આયાત-નિકાસ પર અસર પડી છે.