- સરકાર ઉમેદવારોને અપાશે રૂ.254 ટ્રાવેલ એલાઉન્સ
- ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે
- બેંક – કોલલેટર વિગત સાથે 254 રૂપિયાનો રિફંડેબલ ચાર્જ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે આ ઉમેદવારો માટે ST વિભાગ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય ST વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે ST બસમાં મુસાફરી કરવા માટે ઉમેદવારોએ બે દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ ટિકિટ બુક કરાવવાની રહેશે. આ ટિકિટ બુકિંગની પ્રોસેસમાં ફેરફાર એટલો રહેશે કે, ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે તમારે બેંકની વિગતો અને કોલ લેટરની વિગતો અંદર મુકવાની રહેશે.
હાલ પૂરતા ઉમેદવારે ચૂકવવા પડશે રૂ.254
ચાલુ વર્ષે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રૂ.254 જેટલું ભાડું ઉમેદવારોને ચૂકવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે હવે ઉમેદવારોએ પહેલા પોતાના ટિકિટનો ખર્ચ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ સરકાર તેની ચુકવણી કરશે. ST બસમાં મુસાફરી કરનારા ઉમેદવારોએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. જેમાં તેઓએ પોતાના બેંક એકાઉન્ટ અને કોલ લેટરની વિગતો નાખવાની રહેશે. જેથી સીધા સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરાવી દેશે અને આ ઓનલાઇન ટિકિટ બુકિંગથી ઉમેદવારોને પણ વધુ રાહત થશે.
કઈ રીતે ST વિભાગે કરી છે બસની વ્યવસ્થા ?
આ અંગે ગુજરાત ST નિગમનાં MD એમ. કે ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત ST નિગમ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે ST નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવાર અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 6,000 જેટલી બસો જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મૂકવામાં આવનાર છે.