૧૪ જુન વિશ્વ રક્તદાતા દિવસઃ ગુજરાતીઓ તેમાં પણ નંબર વન!
- માથાદીઠ રક્તદાનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
- WHO ની ગાઇડલાઇન પ્રમાણે માથાદીઠ ૧% રક્તદાનની જરૂર સામે ૧.૬૩ % જેટલું રક્તદાન
- કોરોનાની મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવી નથી
સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ (world blood donor day) તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય શરૂઆત થી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે. અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃતિમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓ આમ તો દરેક પ્રકારના દાનમાં આગળ હોય છે, પરંતુ રક્તદાનમાં હંમેશાથી મોખરે રહ્યાં છે. World Health Organization (WHO)ની માર્ગદર્શિકા પ્રમાણે માથાદીઠ ૧% રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાત રાજ્યમાં ૧.૬૩% જેટલું રક્તદાન થાય છે. આ પ્રમાણની સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્તરે છે.
કુદરતી હોનારત, આપત્તિ કે અન્ય તમામ પડકારોનો ગુજરાતની જનતાએ હિંમત અને નીડરતા પૂર્વક સામનો કર્યો છે. ગુજરાતમાં રક્તદાનની પરંપરા પણ એટલી જ ભવ્ય રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં અંદાજિત ૯,૮૮,૭૯૫ યુનિટ રક્તદાન થયુ છે. જેમાંથી ૭૭% રક્તદાન સ્વૈચ્છિક રક્તદાન છે. હાલમાં ગુજરાતમાં ૧૮૩ બ્લડ બેંકો કાર્યરત છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્લડ બેંક કાર્યરત છે. ગુજરાતમાં ૧૪૧ બ્લડ બેંકોમાં કોમ્પોનન્ટ સેપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. ૧૫૧ બ્લડ બેંકો બ્લડ ડોનેશન કેમ્પ કરવાની મંજુરી ધરાવે છે.
ગુજરાતના નામે અનેક રેકોર્ડ
સ્વૈચ્છિક રક્તદાનમાં ગુજરાતના નામે ઘણા બધા રેકોર્ડ નોંધાયેલા છે. જેવા કે સૌથી વધુ શતકવીર રક્તદાતાઓ, રક્તદાન શિબિરો, એક જ દિવસમાં કેમ્પમાં મહત્તમ રક્તદાન, સૌથી વધુ બ્લડ કલેક્શન વાન, વગેરે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સ્તરે પણ રક્તદાનની પ્રવૃત્તિમાં ગુજરાત હંમેશાથી અગ્રેસર રહ્યું છે.
કોરોનામાં પણ થઇ નથી રક્તની અછત
કોરોનાની મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવી ન હતી. આવા કપરાં સંજોગોમાં પણ રકતદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને બ્લડ બેંકોનું રકતદાન માટેનું યોગદાન ખુબ જ પ્રશંસનીય છે. કોરોનાની સારવાર માટે ગુજરાતમાં ૪૨ બ્લડ બેંકો ખાતે કોન્વોલેસેન્ટ પ્લાઝમા આપવાની સુવિધા ઉપલબ્ધ હતી. જે ગુજરાતની પ્રજા માટે ઘણીય મદદરૂપ બની હતી.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની નવી આગાહી : બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાત’માં ફેરવાયું