જૂનાગઢઃ કારમાં આવેલી મહિલાઓએ ગજબની ચોરી કરી, CCTV જોઈ વેપારીઓ ચોંક્યા
જૂનાગઢ, 11 જુલાઈ 2024, શહેરમાં મોડી રાત્રે કારમાં આવેલી બે મહિલાઓ દુકાન પાસે રાખેલા પગ લુછણિયાની ઉઠાંતરી કરતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા ગિરનાર દરવાજા નજીક એક ઘર પાસેથી એલોવીરાના છોડની ઉઠાંતરી કરી હતી તે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. વેપારીઓએ સીસીટીવી પોલીસને આપી કાર્યવાહીની માંગ કરી છે.
મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના માંગનાથ રોડ પર રાત્રિના સમયે કારમાં આવેલી બે મહિલાઓ એક દુકાન પાસે કાર ઉભી રાખે છે. જેમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલી મહિલા નીચે ઉતરે છે અને દુકાનની આગળ રાખેલું પગ લુછણિયુ ઉઠાવી પોતાની કારમાં રાખી દે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વેપારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
ચોરી કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
જૂનાગઢ માંગનાથ રોડ ક્લોથ એન્ડ રેડીમેઈડના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે હવે ચોર પણ બહુ બુદ્ધિશાળી થઈ ગયાં છે. ગઈ કાલે મોડી રાત્રે બે બહેનો એક દુકાન બહાર રાખેલા પગલૂછણીયા લઈ કારમાં મુકીને ચાલ્યા જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ પગલુછણીયાની કિંમત 1200 રૂપિયા જેટલી છે. આ ઘટનામાં જે બે બહેનોફોર વ્હીલ લઈ આવે છે તે જ બહેનોએ થોડો સમય પહેલા જ કુંવારપાઠાના છોડની ચોરી કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ બંને ફુટેજ પોલીસને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : પાલનપુરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાંથી તસ્કરો રૂ. ૪૦ હજારના વાસણો ચોરી ગયા