જૂનાગઢ : ભડકાઉ ભાષણ આપનાર મૌલાના અઝહરીના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા
જૂનાગઢ, 6 ફેબ્રુઆરી : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફતી સલમાન અઝહરી મૌલાનાને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેના માટે જૂનાગઢ પોલીસે મૌલાનાના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટમાં દલીલો બાદ આખરે પોલીસને મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.
આરોપીઓ તપાસમાં સાથ ન આપતા હોવાની દલીલ
આ અગાઉ કોર્ટમાં પોલીસ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. તેમજ પોલીસે કોર્ટમાં એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાં ક્યાં ભડકાઉ ભાષણ કર્યા તે તપાસ બાકી છે અને તેની તપાસ કરવાની જરૂર છે. જેના માટે ગઈકાલે આખી રાત પણ પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ પોલીસે મૌલાનાના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં મૌલાનાના ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ્ય અંગે પૂછપરછ કરવાથી લઈ તેના વિદેશમાં સંબંધ સુધીની તપાસ કરવા માટે પોલીસે સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શું છે આખી ઘટના ?
31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફતી સલમાન અઝહરીને બોલવ્યો હતો. એમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું.
મૌલાના સહીત 3 સામે ગુનો નોંધાયો
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા.