જુનાગઢઃ 8 વર્ષથી તૈયારી કરતો યુવક પોલીસ ભરતીની દોડમાં ગયો નિષ્ફળ, ભર્યુ આ ચોંકાવનારું પગલું
જુનાગઢ, તા. 11 જાન્યુઆરી, 2025ઃ હાલ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે જુનાગઢના માણાવદર તાલુકામાં 29 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકના આપઘાતથી પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડ નામના યુવકે આપઘાત કર્યો હતો.. 9 જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે તે જામનગર ગયો હતો. લગભગ છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતાં યુવકને પોલીસ ગ્રાઉન્ડમાં સફળતા ન મળતા નિરાશ થયેલા યુવકે બાંટવા નજીક જંગલમાં જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારના જણાવ્યા અનુસાર યુવક શારીરિક કસોટી આપવા માટે જામનગર ગયો હતો. ઘણા કલાકો સુધી પરેશ ઘરે પરત ન આવતા તેને ફોન કરતાં તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. આથી પરિવાર અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે પરેશના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે માણાવદર હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 11, 2025
કોઈપણ નિષ્ફળતા કાયમી નથી હોતી
આ બનાવ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી તેવું લાગે તો જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરો.
18002333330.
ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. તેને કારણે ઘણા લોકોને જીવ બચી ગયા છે.— Hasmukh Patel (@Hasmukhpatelips) January 11, 2025
આ પણ વાંચોઃ પેકેટમાં મળતા ગાંઠિયા ખાતા પહેલા વાંચી લો આ સમાચાર