જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાને કોંગ્રેસના પૂંજાભાઈ વંશે ચેલેન્જ આપી
વેરાવળ, 08 જુલાઈ 2024, લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢથી જીત્યા બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો.જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપીને કહ્યું હતું કે, 5 વર્ષમાં મને જે નડ્યા છે હવે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ના કરે હુ તેમને મુકવાનો નથી. રાજેશ ચુડાસમાની આ ધમકીનો કોંગ્રેસના નેતાએ વળતો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોને કહેતા હોય તો અમે પણ જવાબ માટે તૈયાર
કોંગ્રેસ દ્વારા પરાજય પછી પણ કોંગી કાર્યકરોમાં જોમ અને જુસ્સો જળવાઈ રહે તે માટે લોકસભાની દરેક વિધાનસભા બેઠક પર કાર્યકરોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે તાલાલા વિધાનસભા બેઠકના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા પૂંજાભાઈ વંશે જાહેર મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે હું તૈયાર છું. કોંગ્રેસના કાર્યકરોને કહેતા હોય તો અમે પણ જવાબ માટે તૈયાર છીએ.
લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ અગાઉ અરજી કરી હતી
આ પહેલા ગીર સોમનાથ જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણી દ્વારા તો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમાથી જીવનું જોખમ હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. તેમણે કરેલી અરજીમાં કહ્યું હતું કે, રાજેશભાઈ ચુડાસમા વિરુદ્ધ ગત ચૂંટણીમાં મેં કામગીરી કરી હતી. તેમજ ડો.અતુલ ચગ કેસમાં મેં બયાન આપ્યું હતું. જેથી મને ડર લાગી રહ્યો છે કે તેમના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો પણ થઈ શકે છે. મારો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મને કે મારા પરિવારને કાંઈ પણ થશે તો તેની જવાબદારી સાંસદ રાજેશ ચુડાસમાની રહેશે.
આ પણ વાંચોઃકુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા PM મોદીને પત્ર, જાણો કોણે કરી માંગ