જૂનાગઢ : સાબલપુર પાસેથી 11,45,280 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી LCB
જૂનાગઢ LCB દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રકમાં લવાયેલ 11.45 લાખના દારૂના જથ્થા સાથે 1 શખ્સને પકડી પાડ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર 2 શખ્સની શોધખોળ હાથ ધરી છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટની સૂચના બાદ LCBએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, હોળી ધૂળેટીના પર્વ સબબ જીજે 14 ઝેડ 0787 નંબરના ટ્રકમાં દારૂની હેરફેર થવાની છે. આ દારૂ રાજકોટથી જૂનાગઢ લાવવા ટ્રક નિકળી ગયો છે અને સાબલપુર ચોકડી નજીક તેનું કટિંગ થવાનું છે.
આ પણ વાંચો : રાજ્યમાં એર એમ્બ્યુલન્સની કિંમત 50,000-65,000 રૂપિયા પ્રતિ કલાક !
આ બાતમીના આધારે LCB ઇન્ચાર્જ પીઆઇ જે. જે. પટેલ, પીએસઆઇ જે. જે. ગઢવી અને સ્ટાફે સાબલપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. ત્યારે ટ્રક પસાર થતા તેને રોકી તલાશી લેતા બટેટાની 20 ગુણની નીચે છૂપાવેલો વિવિધ બ્રાન્ડનો 2,748 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 11,45,280/- મળી આવ્યો હતો સાથે જ LCBએ દેવદત બાવકુભાઇ બસીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે 11,45,280નો દારૂ, 7 લાખનો ટ્રક, 10,000ના બટેટા, 10,000નો મોબાઇલ તેમજ રોકડા 2,700 મળી કુલ 18,67,980/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે વધુ તપાસમાં આ દારૂનો જથ્થો પ્રોહિબીશન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. LCBએ ધીરેન અમૃતલાલ કારીયા અને ભગા કરશન ભારાઇને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.