કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢઃ પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે તંત્ર કડક, સાત દિવસમાં 85,000નો દંડ વસૂલવામાં આવ્યો

  • વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલા ૮૫ અન્નક્ષેત્રના સંચાલકોએ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાની સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી આપી
  • જૂનાગઢ વન વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતી સઘન કાર્યવાહી: અન્નક્ષેત્રો અને દુકાનોમાં ફેરણું કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે જરુરી કાર્યવાહી

જૂનાગઢ, 8  માર્ચ, ૨૦૨૪ઃ  મહાશિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે, ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

plastic pratibandh - HDNews
plastic pratibandh – ફોટોઃ માહિતી ખાતું

ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો અને લોકો પાસેથી ભારતીય વન સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અન્વયે તા. ૨૯-૨-૨૪ થી તા. ૫-૩-૨૪ સુધીમાં ૩૮ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે,  જેના દંડની રકમ પેટે રૂ .૭૫,૫૫૦ વસૂલાત કરવામાં આવી છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ૩૨ ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. જેના દંડ પેટે રુ.૯,૮૦૦ની વસૂલાત કરવામાં આવી છે. આમ, ૭ દિવસમાં રુ. ૮૫,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા મહાશિવરાત્રિના મેળામાં ૮૫ જેટલા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે આ અન્નક્ષેત્રો- ઉતારા મંડળને મંજૂરી આપતા પૂર્વે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધિત છે, તેની જાણ કરવામાં આવી છે. અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ સ્ટેમ્પ પેપર પર આપવામાં આવી છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા અને જરુરી કાર્યવાહી હાથ ધરવા વન વિભાગ દ્વારા ત્રણ પ્લાસ્ટિક મોબાઈલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જે તળેટી વિસ્તારમાં આવેલ અન્નક્ષેત્રો અને દુકાનોમાં ફેરણું કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે જરુરી કાર્યવાહી કરવાની સાથે વન્યપ્રાણી અને જંગલને સંબંધિત ગુન્હાઓ ન બને તેની કાળજી લઈ રહ્યા છે. આ માટે ૪ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ૧૨ વનકર્મીઓ કાર્યરત છે.

ગિરનાર પર્વત પર જવાના પ્રવેશ માર્ગે એટલે કે ગિરનાર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી પર ફ્રિસ્કિંગ પોઇન્ટ છે, ત્યાંથી ગિરનાર પર જતા ભાવિકોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અને પ્લાસ્ટિકને જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ૪૦ વનકર્મીઓ જરૂરી દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત ગિરનાર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી પર સફાઈ માટે વધુ ૧૫૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. મેળા વિસ્તારમાં મહાનગરપાલિકાના ૨૫૦ જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરી રહ્યા છે.

પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કેન્દ્રમાં રાખી ભવનાથ શિવરાત્રિના રૂટમાં આર્ટિસ્ટ દ્વારા પથ્થર પર પ્રકૃતિ પર્યાવરણના જતનના સંદેશ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટેનો સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે, જેથી જનજાગૃત્તિ પણ કેળવાય.

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહિલા સશક્તિકરણનું સર્વોચ્ચ સ્તર એટલે “સશસ્ત્ર-પથ”: તુ ન થકેગી – ન ઝૂકેગી

Back to top button