કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ
જૂનાગઢ જિલ્લાને જળ સંરક્ષણ અને સંગ્રહ ક્ષેત્રે કેન્દ્રની ટીમે આપ્યું ‘વેરી ગુડ’
જળ સંરક્ષણ-સંગ્રહમાં જૂનાગઢ જિલ્લાને કેન્દ્ર સરકારની ટીમ દ્વારા ‘‘વેરી ગુડ’’ રેટીંગ મળ્યું છે. જિલ્લા કલેકટર રચિત રાજે આ ટીમ સાથે બેઠક યોજી હતી અને જૂનાગઢ જિલ્લામાં જળ સંરક્ષણ માટે ચાલતા પ્રકલ્પો-ગતિવિધિથી અવગત કરાવ્યા હતા. જેના પગલે કેન્દ્રની ટીમ દ્વારા આ તમામ કાર્યોના વખાણ કરી અદ્દભુત રેટીંગ આપ્યું હતું. જેના કારણે સમગ્ર જિલ્લાની ટીમને કલેક્ટર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
કેન્દ્રની ટીમના સભ્યોએ જિલ્લાના પરંપરાગત તળાવ, જળાશયો સહિતના જળ સંરક્ષણના કામોની વિઝીટ કરી
રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લામાં જળસંચય અને સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ આવી પહોંચી હતી. આ ટીમના કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના આઈડીએસના ડાયરેકટર આર.અરૂલાનંદન અને સેન્ટ્રલ વોટર કમિશનના શ્રીહરી શેખર આવ્યા હતા. તેમણે જિલ્લાના પરંપરાગત તળાવ જળાશયો સહિતના જળ સંરક્ષણના કામોની વિઝીટ કરી સમગ્ર કામગીરીનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યું હતું. આ ટીમના બંને ઉક્ત સભ્યોએ ઉમટવાળા, દગડ અને ખીરસરા તળાવ ઉપરાંત કેશોદના ટીટોડી ગામના ચેકડેમ, ચોરવાડ ખાતે ભરતી નિયંત્રણ માટેના જળાશય અને સેંદરડા ખાતેના રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત કરી હતી. આ ટીમે તા.૬ થી ૮ જૂલાઈ દરમિયાન જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો.
બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા અને વરસાદી પાણી સંગ્રહ કરવા ભાર મુક્યો
આમ, આ ટીમના બંને સભ્યોએ જળસંચય માટેની જમીની વિગતો મેળવી જૂનાગઢ જિલ્લાને ‘‘વેરી ગુડ’’ રેટીંગ આપ્યું હતું. ઉપરાંત જળસંચય માટેના પ્રગતિમાં અને બાકી રહેલા પૂર્ણ કરવા માટે સૂચન કર્યું હતું. આ ટીમની મુલાકાત દરમિયાન જળ શક્તિ અભિયાનના જૂનાગઢ જિલ્લાના નોડલ ઓફિસર જે.એન. ભાટુ સાથે રહ્યા હતા અને જરૂરી વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, જળ શક્તિ અભિયાન હેઠળ વરસાદી પાણી સંગ્રહ કરવા ઉપર ભાર આપવામાં આવે છે. જેમાં તળાવ, ચેકડેમની સાથે પરંપરાગત જળ સ્ત્રોતોને વધુ સુદ્રઢ બનાવવા અને તેની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે પાણીને શક્તિ માની ઉભો કર્યો અલગ વિભાગ
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક આગવા અભિગમ સાથે પાણીને એક શક્તિ માની છે, તેના યોગ્ય ઉપયોગ અને મેનેજમેન્ટ માટે તેમણે કેન્દ્ર સરકારમાં એક અલાયદા જળ મંત્રાલયની રચના કરી છે. જે ટીમ તમામ જિલ્લાઓમાં ફરે છે અને ત્યાંની જળ સંરક્ષણ અને સંગ્રહની કામગીરીની સમીક્ષા કરે છે. ત્યારબાદ તેમને રેટીંગ આપે છે.