કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલ

જૂનાગઢ : ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય, જાણો ક્યારથી થશે ? અને કેમ ?

Text To Speech

ગિરના જંગલમાં વસવાટ કરતા સિંહોને નિહાળવા અસંખ્ય લોકો ગિરનાર નેચર સફારી પાર્કની મુલાકાત લેતા હોય છે. જો કે આ સફારી પાર્કની મુલાકાત લેવાની યોજના બનાવી રહેલાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર નેચર પાર્ક સફારી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી એટલે કે 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વન વિભાગના કર્મચારીઓ મહાશિવરાત્રીના મેળામાં કાર્યરત હોવાથી આ નિર્ણય લેવાયો છે.

18મીએ દેવાધિદેવ મહાદેવનું પ્રિય મહાશિવરાત્રી પર્વ

આગામી 18મી ફેબ્રુઆરીએ દેવાધિદેવ મહાદેવનું પ્રિય મહાશિવરાત્રીનું પર્વ છે. આ દરમિયાન ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો પણ યોજાયો હોય છે. આ મેળામાં વન વિભાગના કર્મચારીઓને કામગીર સોંપવામાં આવતા ગિરનાર નેચર સફારી પાર્કને ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનિય છે કે, 26મી જાન્યુઆરી 2021ના રોજ ગિરનાર નેચર સફારી પાર્કની શરૂઆત કરવામાં આવી હતી. આ પાર્કે ગુજરાતવાસીઓમાં પણ આકર્ષણ જમાવ્યું હતું. તો ગિરનાર જંગલની વાત કરીએ તો અહીં 48 સિંહો વસવાટ કરે છે. જુનાગઢ વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, 2020ની ગણતરી મુજબ 48 સિંહોનો નિવાસ છે. સફારીના રૂટ પર 15 થી 20 સિંહનો વસવાટ છે જ્યારે ગિરનાર જંગલમાં અંદાજિત 50થી વધુ સિંહ વસવાટ કરે છે.

બે વર્ષમાં હજારો મુલાકાતીઓ આવ્યા

ગિરનાર નેચર સફારીનો રસ્તો 26 કિલોમીટરનો છે. નવા બનેલા ગિરનાર નેચર સફારી રુટ તરફ પ્રવાસીઓ આકર્ષાયા છે. અહીં બે વર્ષમાં 7000 જેટલા પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. ગિરનાર નેચર સફારી પાર્કમાં અત્યાર સુધી 15 લાખની આવક વન વિભાગને થઇ છે. આ ગિરનાર નેચર સફારી પાર્કથી ડ્રાઇવર તેમજ ગાઇડને આવક પણ મળી રહે છે. આ ગિરનારના જંગલમાં દીપડા, ઘોરખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, કીડીખાંઉ, સાબર, ચિતલ, નીલગાય, વાઈલ્ડ બોર સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. પ્રવાસીઓને ગિરનાર નેચર સફારીના રૂટ પર ક્યારેક આ બધા પ્રાણીઓ જોવા મળે છે.

Back to top button