જૂનાગઢમાં કોર્ટનો ડ્રાઈવર બન્યો નકલી DySP, 17 લોકોને છેતરી બે કરોડથી વધુ પડાવ્યા
જૂનાગઢ, 12 ડિસેમ્બર 2023, ગુજરાતમાં અસલી નકલીનો ખેર બરાબરનો જામ્યો છે. નકલી સરકારી કચેરી, ટોલનાકુ, અધિકારીઓ અને હવે નકલી DySp પોલીસના હાથે ઝડપાયો છે. તાજેતરમાં જ જૂનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીનો નકલી પીએ પકડાયો હતો. પરંતુ હવે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો કર્મચારી નકલી DySP બનીને ફરતો હતો અને લોકોને નોકરી અપાવવાનું કહી 17 લોકો પાસેથી બે કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો પોલીસને મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી
જૂનાગઢ પોલીસના હાથે ઝડપાયેલા નકલી DySP વિનીત દવેએ અત્યારસુધીમાં 17 લોકોને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી 2.11 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિનીત દવે નામનો શખ્સ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે અને હાલ જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જૂનાગઢ કોર્ટમાં ઈન્કવાયરી ચાલુ હોવાથી તે 29 મે 2023થી કોર્ટમાં ગેરહાજર રહેતો હોવાનું સામે આવ્યું છે. વિનીત દવેના કબજામાંથી DySPનું બનાવટી આઈકાર્ડ, પાઈપિંગ સેરેમનીનો એડિટ કરેલો ફોટોગ્રાફ, સિનિયર સિવિલ જજના આઈકાર્ડની ફોટો કોપી મળ્યાં છે.આરોપી સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકોને નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરી
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે વિનીત દવે નામનો વ્યક્તિ જૂનાગઢમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો અને તેના વિરુદ્ધ કોર્ટમાં તપાસ શરૂ હતી. આ દરમિયાન જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પોલીસની ઓળખ આપી એક વ્યક્તિ જૂનાગઢમાં આંટાફેરા મારે છે. ગઈકાલે એમજી રોડ ઉપર આ વિનીત દવેને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસનું ડુપ્લિકેટ કાર્ડ, જેમાં DySPનો હોદ્દો બનાવીને પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપતો હતો અને અલગ અલગ લોકોને નોકરી અપાવવાના બહાને તેણે છેતરપિંડી કરી હતી.આરોપી હાલ પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં રહે છે.
આ પણ વાંચોઃ હાઈકોર્ટની તંત્રને ટકોર, ઢોર પોલીસીની અમલવારીમાં પશુઓના મૃત્યુ નહીં ચલાવી લેવાય