ગુજરાત

જુનાગઢ: ભારતીય કિસાન સંઘ અને ખેતીવાડી વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો

Text To Speech
  • ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા
  • તાત્કાલિક પાક સર્વે કરાવવા ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ
  • ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ટીમ સર્વે કરી શકતી નથી

જુનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ખેતીવાડી વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં જિલ્લામાં નુકસાનીના સર્વેને લઈને વિવાદ થયો છે. ભારે વરસાદમાં અનેક ખેતરો ધોવાયા છે. તાત્કાલિક પાક સર્વે કરાવવા ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરાઈ છે. તેમજ ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ટીમ સર્વે કરી શકતી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે ધોધમાર મેઘો 

ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા

જુનાગઢમાં થોડા સમય પહેલા થયેલા ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. તારાજીમાં જિલ્લાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા ભારે વરસાદને પગલે પાકમાં થયેલ નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો હતો. આ સર્વેને લઈને ભારતીય કિસાન સંઘ અને ખેતીવાડી વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો છે.

અતિ ભારે વરસાદ પડવાને કારણે ખેતરો ધોવાઈ ગયા

જિલ્લામાં આ વર્ષે અતિ ભારે વરસાદ પડવાને કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાની પણ થઈ છે તેમજ હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તાત્કાલિ પાક સર્વે કરવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા જણાવાયું છે કે જો સર્વે તાત્કાલિક નહીં થાય તો ખેતરોમાંથી પાણી ઓસી જશે અને કેટલું નુકસાની થઈ છે તે જાણવા નહીં મળે. ઉપરાંત જેવું પાણી ખેતરોમાંથી ઉતરશે એટલે ખેડૂત બીજું વાવેતર કરી રાખશે. ત્યારે સર્વેની ચોક્કસ માહિતી મેળવી શકશે નહીં એટલે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરવો જોઈએ.

વરસાદની આગાહી હોવાને કારણે સર્વે હાલ પૂરતો શક્ય નથી

બીજી તરફ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે માટે ટીમો તો નક્કી કરી લેવામાં આવી છે પરંતુ હાલ આ ટીમ ખેતરોમાં પાણી ભરાયેલ હોવાથી સર્વે કરી શકતી નથી જેથી પાણી ઉતરી જાય પછી સર્વે કરવામાં આવશે અને હજુ પણ વરસાદની આગાહી હોવાને કારણે સર્વે હાલ પૂરતો શક્ય નથી. આમ હાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલ નુકસાનીના સર્વેને લઈને વિવાદ સર્જાયો છે.

Back to top button