ગુજરાતની આ બેઠક માટે બે ભાઈઓની દાવેદારીથી ભાજપમાં અસમંજસ
જુનાગઢ વિધાનસભાની 86 બેઠક માટે ભાજપ દ્વારા પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે જુનાગઢ મહાનગર વિધાનસભા બેઠક માટે એક જ પરિવારના બે સભ્યો એટલે કે બંને પિતરાઈ ભાઈઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે સતત 10 વખત ચૂંટાયેલા ગિરીશ કોટેચાએ વિધાનસભાની બેઠક માટે પોતે દાવેદારી કરી છે. પોતાના ટેકેદારો સાથે આજે તેઓ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પહોંચ્યા હતા અને નિરીક્ષકોને મળ્યા હતા અને પોતે દાવેદારી કરી હતી.
પરિવારના બંને પિતરાઈ ભાઈઓએ દાવેદારી કરી
બીજી તરફ સહકારી ક્ષેત્રમાં છેલ્લા 32 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભાજપમાં સક્રિય એવા કોટેચા પરિવારના જ ડોલરભાઈ કોટેચાએ પણ જુનાગઢ વિધાનસભાની બેઠક માટે દાવેદારી નોંધાવી છે. એક જ પરિવારના બંને પિતરાઈ ભાઈઓએ દાવેદારી કરી છે. બંને ભાઈઓએ દાવેદારી કરતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ બંને ભાઈઓમાંથી પાર્ટી જેને પણ ટિકિટ આપે તેની સાથે ખભા મિલાવીને કામ કરવા અને જીતાડવા માટેની ખાત્રી આપી છે.
આ પણ વાંચો: ભારે વરસાદથી થયેલા પાક નુકશાની માટે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ
બંને ભાઈઓએ એકબીજાને ટિકિટ માટેની શુભેચ્છાઓ પાઠવી
આમ જુનાગઢના રાજકારણમાં બંને પિતરાઈ ભાઈઓ દાવેદારી કરી છે. પરંતુ જેને પણ ટિકિટ મળે તે માટે તન મન ધનથી જીતાડવા માટે જાન લગાવી દેશે તેવી ખાતરી આપી છે. અને બંને ભાઈઓએ એકબીજાને ટિકિટ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.