જૂનાગઢ : માણાવદરના ડેમમાંથી મળ્યો સરકારી દવાઓનો જથ્થો, ઉપયોગમાં લીધા વગર દવા કેમ ફેંકાઈ ?


રાજ્યના લોકોને આરોગ્યના સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારી દવાખાનાઓમાં અપાતી લોકોને ઓછા દરે દવાઓ મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. ત્યારે બીજી તરફ જૂનાગઢના માણાવદરમાં સરકારી દવાનો જથ્થો કચરામાં પડેલો મળી આવ્યો જેના કારણે આ મુદ્દો ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.
સરકારી દવાઓનો જથ્થો ડેમમાંથી મળ્યો
એક તરફ ગરીબો દવા મેળવવા માટે વલખા મારતા હોય છે તેમ છતા તેમને દવા નથી મળતી. તો બીજી તરફ સરકારી દવાનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ભાલચેડા ડેમમાં મોટા પ્રમાણમાં દવાઓ ફેંકી દીધેલી હાલતમાં મળી આવી છે. આ ડેમનું પાણી સુકાતા દવાઓનો જથ્થો જોવા મળ્યો હતો. જેને જોતા ઘણા સમય પહેલા આ દવાઓ ડેમમાં ફેકવામા આવી હોવાનું અનુમાન છે. મોટા પ્રમાણમાં દવાનો જથ્થો કચરાના ઢગલામાંથી મળવાને કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે આ જથ્થો કોણ ફેક્યો છે તે માહિતી હજુ સામે નથી આવી.
આરોગ્ય તંત્ર સામે સવાલ
ફેકી દીધેલી દવાઓમાં વેક્સિન, અને સીરપની બોટલો સહિત હજારો ગોળીઓ છે. ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યું છે તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માણાવદર શહેરના થોડા વર્ષ પહેલાં જ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીથી આ પ્રકારની ઘટના સામે આવતા તંત્ર સામે સવાલો પણ થઈ રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ જોવાનું રહ્યું.
આ પણ વાંચો : માત્ર એક ઈંચ વરસાદમાં AMCની પોલ ખુલી, ભૂવો પડતા કાર ખાબકી, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત