જૂનાગઢઃ જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર
- જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાને ભાવિકોએ આવકારી કહ્યું કે, ‘તંત્ર ખડે પગે છે, કોઈ તકલીફ નથી’
- સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા અન્નક્ષેત્રો હરી હરના નાદથી ગુંજ્યા
જૂનાગઢ, 24 નવેમ્બર: પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે, ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
ભેસાણ તાલુકાના મોરવાડા ગામના સરપંચ તેમની ટીમ સાથે પરિક્રમામાં હતા. તેમણે કહ્યું કે, પરિક્રમા રૂટ પર તંત્ર ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, કોઈપણ અગવડતા પડે તેમ નથી. ભાવિકો ઉત્સાહ સાથે પરિક્રમા કરી રહ્યા છે.
વર્ષો વર્ષ પરિક્રમામાં આવતા મહેસાણા કડી નજીકના મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ છે, વ્ચયવસ્થામાં લોકોએ પણ તંત્રને સહકાર આપવો જોઈએ.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના નવાગામથી પહેલીવાર ગિરનાર લીલી પરિક્રમા માટે પધારેલા નરસુંગભાઈ પટેલ જણાવે છે કે, તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે જીણામાંઝીણી બાબતોની કાળજી લેવામાં આવી છે. આરોગ્ય સેવા માટે ડોક્ટરની ટીમ અન્ય મદદ માટે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ખડેપગે છે. તેમણે દરેકને એકવાર પરિક્રમા કરવાના આગ્રહ સાથે જિલ્લા વહીવટી તંત્રને યાત્રાળુઓ માટે કરેલ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા.
નડિયાદથી છેલ્લા પાંચ વર્ષોથી લીલી પરિક્રમા માટે આવતા મનદીપ ઠાકર પરિક્રમાના અનુભવને સારો ગણાવતા જણાવ્યું છે કે, ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે સમગ્ર રૂટ કચરા પેટીઓ મૂકવામાં આવી છે. ભાવિકોને તબીબી મદદ માટે ડોક્ટરની ટીમ પણ તૈનાત છે. એવા જ ભાવિક તાલાળાથી છેલ્લાં પાંચ વર્ષથી લીલી પરિક્રમામાં આવતા ભદ્રેશ જાની એ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ વ્યવસ્થાઓને બિરદાવી હતી. ઉપરાંત એક યુવા યાત્રાળુઓ કહ્યુ કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે.
પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો
- પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી
ગિરનાર લીલી પરીક્રમા-૨૦૨૩ અંતર્ગત દૂધ વિતરણ વ્યવસ્થા, ખોરાકમાં ભેળસેળ વગરની યાત્રિકોને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે હોટલ રેસ્ટોરન્ટ તથા દુકાનોમાં ભેળસેળ ન થાય તેમજ હોટલોમાં કેરોસીન ગેસનો અનઅધિકૃત ઉપયોગ ન થાય તથા યાત્રિકોને નિયત કરાયેલ ભાવ તથા વજન મુજબ ચીજ વસ્તુઓ મળી રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસની ટીમોની રચના કરવામાં આવી હતી. ગિરનાર પરિક્રમામાં આવેલ જુદી-જુદી દુકાનો ખાણીપીણીના સ્ટોલ, દૂધ વિતરણ કેન્દ્રની પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા આજ રોજ ૧૯ દુકાન -દૂધ કેન્દ્રો અને અન્ન ક્ષેત્રની તપાસમાંથી મળી આવેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં બાફેલ બટાકા, ખાધ્ય કલરના પેકેટ્સ, ખરાબ થયેલ શાકભાજી તથા દાઝેલા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો શેર કરીને જણાવ્યું