ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વિશ્વભરમાં ચાલુ વર્ષનો જુલાઈ મહિનો ગરમી બાબતે તોડશે 1,20,000 વર્ષનો રેકોર્ડ

હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: જુલાઈ મહિનો આ વર્ષે વિશ્વભરમાં સૌથી ગરમ રહેવાનો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતે જુલાઈની ગરમી 2019નો ગરમીનો રેકોર્ડ તોડી નાખશે.

જ્યારે આ મહિનો પસાર થવાને હજુ થોડા દિવસો બાકી છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષનો જુલાઈ મહિનો છેલ્લા 1,20,000 વર્ષમાં સૌથી ગરમ મહિનો સાબિત થઈ શકે છે. યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના અનેક ભાગોમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

ઘણા દેશોમાં ભયંકર ગરમી પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી આગળ વધીને ગ્લોબલ બોઇલિંગના યુગમાં પહોંચી ગયું છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અશ્મિભૂત ઇંધણના વધુ પડતા ઉપયોગને કારણે ગરમી વધી રહી છે. ભારતમાં પણ જુલાઈમાં અસાધારણ ગરમી જોવા મળી રહી છે. દેશના ઘણા ભાગો પૂરનો સામનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે જળવાયુ પરિવર્તન આપણા અસ્તિત્વ માટે પડકાર બની ગયું છે. હવે ક્લાઈમેટ ચેન્જની વાસ્તવિકતાને કોઈ નકારી શકે નહીં.

અમેરિકામાં ગરમીથી લોકો હેરાન-પરેશાન

અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે વસ્તુઓને સ્પર્શવાને લીધે ઘાયલ થયા હતા.

એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત 24 દિવસથી રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. અહીં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ 1974માં સર્જાયેલા 18 દિવસના રેકોર્ડથી પણ વધુ છે.

એરિઝોના બર્ન સેન્ટરના કેવિન ફોસ્ટરે જણાવ્યું કે હાલમાં હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તેમાંથી લગભગ એક તૃતીયાંશ દર્દી કોક્ન્રિટ અને ડામરની સપાટીના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. તેમણે કહ્યું કે આ ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે. સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા. નશો કરનારા લોકોની હાલત પણ દયનીય થઈ ગઈ છે. હવે જુલાઈ પૃથ્વી પર સૌથી વધુ ગરમ મહિનો તરફ બનવા અગ્રેસર છે.

હાલમાં એવા 150 જેટલા દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે જેમને હોસ્પિટલમાં ખસેડાયા નથી. મેરિકોપા કાઉન્ટીમાં 18 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમના મોત ગરમીને કારણે થયા હોવાની પુષ્ટી થઈ છે. જ્યારે 69 મૃત્યુના કેસની હજુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો- છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 2.75 લાખ બાળકો ગુમ, હજારો હજુ પણ લાપતા

Back to top button