Jr NTRએ આંધ્રપ્રદેશ-તેલંગાણાના પૂર પીડિતો માટે 1 કરોડનું કર્યું દાન, લખી પોસ્ટ
- Jr NTRએ આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોના પૂર પીડિતોની મદદ માટે રાજ્ય દીઠ 50-50 લાખ રૂપિયા એટલે કે બંને રાજ્યોના સીએમ રાહત ફંડમાં કુલ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે
3 સપ્ટેમ્બર, ચેન્નઈઃ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. જેના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે બંને રાજ્યના લોકો પણ તકલીફમાં મુકાયા છે અને અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેલુગુ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
જુનિયર NTRએ કર્યું કરોડોનું દાન
અભિનેતાએ કરોડોનું દાન આપીને ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે Jr NTRએ આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોના પૂર પીડિતોની મદદ માટે રાજ્ય દીઠ 50-50 લાખ રૂપિયા એટલે કે બંને રાજ્યોના સીએમ રાહત ફંડમાં કુલ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
લખી ઈમોશનલ પોસ્ટ
અભિનેતાએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જેમાં મૃતકો માટે શોક વ્યક્ત કર્યો અને પૂર પીડિતો માટે ભગવાનને પ્રાર્થના કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે બે તેલુગુ રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હું ખૂબ જ દુઃખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેલુગુ લોકો આ આફતમાંથી જલ્દીથી સ્વસ્થ થઈ જાય. પૂર આપત્તિ રાહત માટે બંને તેલુગુ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવતા ઉપાયોમાં મદદ કરવા માટે હું આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાં 50-50 લાખ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરું છું.
અન્ય સ્ટાર્સે પણ કર્યું દાન
અભિનેતા વિશ્વાક સેને રૂ. 10 લાખ અને કલ્કી 2898 ADના નિર્માતાઓએ રૂ. 25 લાખનું દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. NDRFની 26 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણે કરાવ્યું અદ્ભૂત મેટરનિટી ફોટોશૂટ, જાણો ક્યારે થશે ડિલીવરી?