ટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલ સરકારને ઝટકો: SCએ મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવ્યો

  • કેન્દ્ર સરકારે 30 નવેમ્બરે નિવૃત્ત થઈ રહેલા નરેશ કુમારનો કાર્યકાળ 6 મહિના લંબાવ્યો. આ નિર્ણયનો કેજરીવાલ સરકારે વિરોધ કર્યો હતો.

નવી દિલ્હી, 29 નવેમ્બર: દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલો વિવાદ નવો નથી. અહીં હંમેશા કોઈ ને કોઈ વિષયને લઈને વિવાદ ઊભો થતો જ હોય છે. તાજેતરનો વિવાદ દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારને લઈને થયો હતો. નરેશ કુમારનો કાર્યકાળ 30 નવેમ્બર 2023ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા જ કેન્દ્ર સરકારે તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. કેન્દ્રના આ નિર્ણયનો કેજરીવાલ સરકારે વિરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે: સુપ્રીમ કોર્ટ

આ અંગે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જ્યાં લાંબી સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે, ‘મુખ્ય સચિવની સેવામાં 6 મહિનાનો વધારો કાયદાનું ઉલ્લંઘન ન કહી શકાય’. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની દલીલ સ્વીકારી કે નવા કાયદા મુજબ કેન્દ્રને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર છે અને સુપ્રીમ કોર્ટે આ કાયદા પર પ્રતિબંધ નથી મૂક્યો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ‘દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને કેન્દ્ર સરકારને પોલીસ, જમીન, જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત મુખ્ય સચિવનો કાર્યકાળ વધારવાનો અધિકાર છે’.

કેન્દ્ર સરકાર પાસે આજનો દિવસ જ હતો

આ પહેલા મંગળવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે માત્ર એક જ વ્યક્તિ પર કેમ અટકી રહ્યા છો? શું આ પોસ્ટ માટે અન્ય કોઈ IAS અધિકારી નથી? શું તમારી પાસે કોઈ IAS અધિકારી નથી જે આ પોસ્ટ સંભાળી શકે? આ પછી કોર્ટે કેન્દ્રને તેના નિર્ણય વિશે વિગતવાર સમજાવવા કહ્યું હતું અને આજે એટલે કે 29 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.

દિલ્હી સરકારે સેવાના વિસ્તરણનો વિરોધ કર્યો હતો

દિલ્હી સરકાર વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હી સરકાર અને મુખ્ય સચિવ વચ્ચે વિશ્વાસનો અભાવ છે. તેથી નરેશ કુમારને સેવામાં એક્સ્ટેંશન આપવામાં ન આવે. સિંઘવીએ કહ્યું કે હું અમારી પસંદગીના વ્યક્તિને મુખ્ય સચિવ બનાવવાના પક્ષમાં નથી. હું કહું છું કે સૌથી વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપવી જોઈએ અથવા નામોની પેનલ આપવી જોઈએ અને દિલ્હીના સીએમ અને લેફ્ટનન્ટ ગવર્નરે તેની ચર્ચા કરવી જોઈએ.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો માટે ચાલતી યોજનાને ત્રણ વર્ષ લંબાવી

Back to top button