દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે, કંપનીમાં કથિત નોકરી કૌભાંડની તપાસમાં કંપનીએ 19 કર્મચારીઓને દોષિત જાહેર કર્યા છે અને તેમાંથી 16ને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. છે. આ પહેલા પણ કંપનીમાં આ કૌભાંડ પ્રકાશમાં આવતાં તાત્કાલિક કાર્યવાહી કરી ચાર અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.
19 કર્મચારીઓ દોષિત ઠર્યા
ઘણા મહિનાઓની તપાસ બાદ ટીસીએસે હવે ભરતી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી શેર કરી છે. TCS અનુસાર, તેની તપાસ બાદ 16 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, આ સાથે 6 વેન્ડરો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમારી તપાસમાં 19 કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે અને તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આચારસંહિતાના ભંગ બદલ 16 કર્મચારીઓને કંપનીમાંથી અલગ કરવામાં આવ્યા છે અને રિસોર્સ મેનેજમેન્ટ યુનિટમાંથી 3 કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે.
જૂન મહિનામાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું
ચાલુ વર્ષે જૂનના અંતમાં દેશની સૌથી મોટી IT કંપની TCSમાં ભરતી કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કૌભાંડ વેન્ડરોએ કંપનીના કેટલાક કર્મચારીઓની મદદથી આચર્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ આવેલા એક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે TCSના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તેમના ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લેતા હતા. આ બધું ઘણા વર્ષોથી ચાલતું હતું. આ મામલાના ખુલાસા બાદ ટાટા ગ્રૂપની કંપની TCSએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. કંપનીએ તેના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપ (RMG)માંથી ચાર એક્ઝિક્યુટિવ્સને બરતરફ કર્યા હતા અને ત્રણ સ્ટાફિંગ ફર્મ્સ પર પ્રતિબંધો લાદ્યા હતા કારણ કે તેણે તેની તપાસ આગળ ધપાવી હતી.