ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

J&K : કિશ્તવાડમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ

શ્રીનગર, 13 સપ્ટેમ્બર : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી.

સેનાએ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે બાદમાં અન્ય એક સૈનિકે પણ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય બે અન્ય જવાનો ઘાયલ થયા છે.

ચૂંટણી પહેલા હિંસાના છૂટાછવાયા બનાવો

ગુપ્ત માહિતીના આધારે, સેનાએ શુક્રવારે કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હિંસાની છૂટાછવાયા બનાવો જોવા મળી રહ્યા છે. આગામી ચૂંટણી આ પ્રદેશમાં 10 વર્ષમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.

કોંગ્રેસે કિશ્તવાડમાં આતંકી હુમલાની નિંદા કરી છે

કોંગ્રેસે કિશ્તવાડમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે, જેમાં બે જવાન શહીદ થયા છે અને બે ઘાયલ થયા છે. J-K કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રવિન્દર શર્માએ આકરા શબ્દોમાં નિવેદનમાં આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આતંકવાદનો સામનો કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે અને તે બે દાયકા પછી જમ્મુ ક્ષેત્રમાં પુનઃજીવિત થઈ છે.  સરકારે ઠાલા દાવા કરવાને બદલે આતંકવાદી હુમલા રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

બસંતગઢમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

બુધવારે, કેન્દ્રશાસિત પ્રદેશમાં કઠુઆ-ઉધમપુર સરહદ નજીક બસંતગઢમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા અર્ધલશ્કરી દળો અને પોલીસના જવાનો બસંતગઢ પહોંચ્યા અને વિસ્તારને ઘેરી લીધો હતો. જમ્મુના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) નો એક જવાન ઘાયલ થયાના કલાકો બાદ આ એન્કાઉન્ટર થયું હતું.

Back to top button