અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ભારે વરસાદથી માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું, દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે બંધ

  • ગુજરાતમાં સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 59 ટકા

અમદાવાદ, 22 જુલાઈ 2024, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા,પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં 5 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઇંચ, નવસારી તાલુકામાં 5 ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 40 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 59 ટકા વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ 51 ટકા, દક્ષિણ ગુજરાતમાં 45 ટકા, ઉત્તર ગુજરાતમાં 23 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ 24 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

6 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો
જયારે પારડી, ઓલપાડ, બારડોલી, પાટણ – વેરાવળ, ગણદેવી, ખંભાત મળી કુલ 6 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ ઉમરપાડા, કપરાડા, જામજોધપુર, વાલોડ, ધોળકા, જામનગર, વિસાવદર, જલાલપોર, વલસાડ, વાપી અને ખેરગામ મળી કુલ 11 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ડોલવણ, સુત્રાપાડા, ઘોઘા, ચિખલી, વાલિયા, ધંધુકા, નેત્રંગ, માણાવદર, રાજુલા, વ્યારા, ભરૂચ, માંગરોળ અને નાંદોદ મળી કુલ 13 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તલાલા, બાવળા, ચોરાસી, સાગબારા, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડા, માંડવી, કરજણ અને ધરમપુર મળી કુલ 10 તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સોનગઢ, ધોરાજી, તિલકવાડા, ઝગડીયા, કેશોદ, જુનાગઢ શહેર, ભેસાણ, વંથલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

 

કેલિયા ડેમમાં કુલ 457.78 ક્યુસેક પાણીની આવક થઈ
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં સારા વરસાદના કારણે જિલ્લામાં આવેલા બે ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક શરૂ થઈ છે. કેલિયા ડેમમાં કુલ 457.78 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે જૂજ ડેમમાં 343.34 ક્યુસેક પાણીની આવક થઈ છે. સારા વરસાદના કારણે જૂજડેમ 30.84 ટકા અને કેલીયા ડેમ 40.14 ટકા જેટલો ભરાયો છે.સુરત શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો છે.રસ્તા પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. ઉપલેટાના લાઠ ગામમાં આજે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે. વાહન વ્યવહાર બંધ છે. દુકાનોમાં પાણી ઘૂસી ગ્યા છે. જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ
સુરતના ઉપરવાસમા વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જેને પગલે પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી ભરાયા છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી છે. રાજહંસ ફેબ્રિજો ,સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ છે. લિંબાયત વિસ્તારના ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ થતાં ધક્કા મારવાનો વારો આવ્યો હતો. ગરનાળું બંધ થતાં કામ-ધંધે જતાં લોકોને લાંબો રાઉન્ડ લગાવવાની ફરજ પડી છે.ઉધના રોડ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાતા દુકાન ધારકો સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું

Back to top button