શિક્ષણ જગતનો શરમજનક કિસ્સો: ખાનગી શાળાના આચાર્યે 80 બાળકીઓને શર્ટ ઉતરાવી બ્લેઝરમાં ઘરે મોકલી દીધી
ધનબાદ, 12 જાન્યુઆરી 2025: ઝારખંડના ધનબાદ જિલ્લાની એક ખાનગી શાળામાં કથિત રીતે 80 બાળકીઓના શર્ટ ઉતારવાનો આદેશ આપવાનો મામલો ગરમાયો છે. એક અધિકારીએ શનિવારે તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, એક ખાનગી સ્કૂલના પ્રિન્સિપલે ધોરણ 10ની 80 વિદ્યાર્થિનીઓને મેસેજ લખવા માટે શર્ટનો ઉપયોગ કર્યા બાદ તેમના શર્ટ ઉતરાવી નાખ્યા હતા. પ્રશાસને આ બાબતે તપાસ શરુ કરી દીધી છે.
આરોપ છે કે, છોકરીઓને કથિત રીતે શર્ટ વિના બ્લેઝરમાં ઘર પરત ફરવા મજબૂર થવું પડ્યું. ધનબાદના ડેપ્યુટી કમિશનર માધવી મિશ્રાએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે જોડાપોખર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડિગવાડીહની એક ખાનગી સ્કૂલમાં થઈ હતી. બાળકીઓની ફરિયાદ પર વાલીઓ ગુસ્સે થઈ ગયા હતા.
વાલીઓએ ડીસીને આપેલી ફરિયાદમાં કહ્યું કે, ધોરણ 10ની વિદ્યાર્થીઓ પરીક્ષા પુરી થયા બાદ એકબીજાના શર્ટ પર મેસેજ લખીને પેન ડે મનાવી રહ્યા હતા. તેના પર આચાર્યે વાંધો ઉઠાવ્યો અને વિદ્યાર્થિનીઓને પોતાના શર્ટ ઉતારવા માટે કહી દીધું. જો કે બાદમાં તેમણે આવું કરવા બદલ માફી માગી હતી. વાલીઓએ ડીસીને જણાવ્યું કે, તમામ વિદ્યાર્થિનીઓને શર્ટ વિના બ્લેઝરમાં ઘરે પાછી મોકલી હતી.
ધનબાદના ડેપ્યુટી કમિશનર માધવી મિશ્રાએ જણાવ્યું કે, કેટલાય વાલીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લીધો છે. આ મામલે તપાસ માટે એક કમિટી પણ બનાવી છે. આ તપાસ કમિટીમાં ઉપ વિભાગીય મજિસ્ટ્રેટ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને પોલીસને સામેલ કર્યા છે.
ધનબાદના ડેપ્યુટી કમિશનર માધવી મિશ્રાએ જણાવ્યું કે, તપાસ પેનલના રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે શનિવારે જ્યારે વાલીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તો ઝરિયાના ધારાસભ્ય રાગિની સિંહ પણ ડીસી કાર્યાલયમાં તેમની સાથે હાજર હતા. ઝરિયાના ધારાસભ્ય રાગિની સિંહ આ ઘટનાને શરમજનક ગણાવી હતી.