ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડના CM હેમંત સોરેન થયા ગુમ, EDની ટીમ દ્વારા શોધખોળ શરૂ

  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીમાં વધારો  
  • EDએ દિલ્હીમાં CM સોરેનના ઘર સહિત 3 સ્થળોએ પાડયા હતા દરોડા

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનને દરેક જગ્યાએ શોધી રહી છે. સાવચેતીના ભાગરૂપે EDની ટીમે હેમંત સોરેનને શોધવા માટે એરપોર્ટ પર એલર્ટ પણ મોકલી દીધું છે. આ દરમિયાન એવી માહિતી પણ બહાર આવી છે કે, સત્તાધારી પક્ષના ધારાસભ્યોને તેમની બેગ અને સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.

સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારથી દિલ્હીના શાંતિ નિકેતનમાં CM સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, જે મોડી રાત સુધી ચાલ્યું હતી. EDની ટીમને અહીં હેમંત સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે ટીમ તેમની BMW કાર પોતાની સાથે લઈ ગઈ હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર HR(હરિયાણા) નંબરની છે.

 

બીજેપી સાંસદનું CM હેમંત સોરેન પર નિશાન

આ દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સીએમ હેમંત સોરેન પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, હેમંત સોરેને JMM અને કોંગ્રેસ તેમજ સહયોગી ધારાસભ્યોને સામાન અને બેગ સાથે રાંચી બોલાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, “તેમની માહિતી મુજબ કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ માહિતી આપી છે કે, EDની પૂછપરછના ડરને કારણે તેઓ રોડ માર્ગે રાંચી પહોંચશે અને તેમના આગમનની જાહેરાત કરશે.

સોરેન બે દિવસ પહેલા દિલ્હી જવા થયા હતા રવાના

ઉલ્લેખનીય છે કે, CM હેમંત સોરેન 27 જાન્યુઆરીએ રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમણે ચાર્ટર ફ્લાઇટમાં ઉડાન ભરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, તેઓ કેટલીક રાજકીય બેઠકો કરવા દિલ્હી ગયા છે. ત્યાં તેઓ કાયદાકીય સલાહ પણ લેશે. અગાઉ, EDએ તેમને 10મું સમન્સ મોકલ્યું હતું અને તેમને 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે હાજર થવા જણાવ્યું હતું. જો તે ઈડી સમક્ષ હાજર નહીં થાય તો એજન્સી તેના ઘરે જઈને પૂછપરછ કરશે.

EDએ હેમંત સોરેનના ઘરે કરી હતી પૂછપરછ

અગાઉ 20 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રીની પૂછપરછ કરવા માટે રાંચી પહોંચી હતી. આ મહિનાની શરૂઆતમાં, CM સોરેને કેન્દ્રીય એજન્સીને પત્ર લખ્યો હતો કે, તે જમીન કૌભાંડ કેસમાં તેમનું નિવેદન તેમના સત્તાવાર નિવાસસ્થાન પર રેકોર્ડ કરી શકે છે.

આ પણ જુઓ :ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે બદલી, બઢતી અને પોસ્ટીંગનો દૌર શરૂ, જાણો યાદી

Back to top button