ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડના કોડરમામાં બોટ પલટી, 8 લોકોના મોત, એક જ પરિવારના સભ્યો ડેમ જોવા આવ્યા હતા

Text To Speech

ઝારખંડના કોડરમા જિલ્લામાં બોટ પલટી જતાં આઠ લોકોના મોત થયા છે. મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. પરિવારના 9 લોકો પંચખેરો ડેમ પર ફરવા આવ્યા હતા. ત્યારે જોરદાર પવન અને ડેમના પાણીના પ્રવાહના કારણે બોટ પલટી ગઈ અને મોટી દુર્ઘટના સર્જાઈ. જો કે બોટમાં સવાર એક સભ્યને તરતા આવડતું હતું જેના લીધે તે તરીને બહાર નીકળી ગયો હતો અને લોકોને દુર્ઘટના વિશે જાણ કરી હતી.

પરિવાર ડેમ જોવા આવ્યો હતો 

મળતી માહિતી મુજબ ગિરિડીહ જિલ્લાના રાજધનવર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેતો ગામનો એક પરિવાર પંચખેરો ડેમ જોવા આવ્યો હતો. પરિવારના 9 સભ્યો બોટમાં બેસીને ડેમ જોવા માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર પવન શરુ થયો હતો.જેના લીધે ડેમનું પાણી પણ હિલોળે ચડ્યું હતું. જેથી હોડી પલટી ગઈ હતી. અને હોડીમાં સવાર 9 લોકો ઊંડા પાણીમાં એક બાદ એક ગરકાવ થયા હતા. જો કે આ દરમિયાન હોડીનો માલિક તરીને બહાર આવી ગયો અને ભાગી ગયો હતો. પરંતુ આ પરિવારના એક સભ્ય પ્રદીપ કુમારને તરતા આવડતું હતું જેથી તે તરીને બહાર નીકળી ગયો હતો અને દોડીને લોકોને ઘટના વિશે જાણ કરી હતી.

પરિવારના એક સભ્યનો બચાવ 

આ ઘટનામાં પ્રદીપ સિંહનો 17 વર્ષીય પુત્ર શિવમ સિંહ અને 14 વર્ષીય પલક કુમારી, 40 વર્ષીય સીતારામ યાદવ અને તેના ત્રણ બાળકો 16 વર્ષીય શેજલ કુમારી, 8 વર્ષીય હર્ષલ કુમાર, 5 વર્ષીય બૌવા, 16 વર્ષીય રાહુલ કુમાર, 14 વર્ષીય અમિત કુમાર મૃત્યુ પામ્યા છે. આ લોકો રાજધનવાર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેતો ગામના રહેવાસી છે. પ્રદીપે કહ્યું કે જેવી બોટ ડેમની વચ્ચે પહોંચી કે તરત જ તે ડૂબવા લાગી. આ દરમિયાન માત્ર તે જ તરીને બહાર નીકળી શક્યો. બાકીના બધા ડૂબી ગયા. સ્થાનિક સ્તરે પંચખેરો ડેમમાં ડૂબી ગયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી છે. NDRFની ટીમ આવ્યા બાદ ડેમમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે.

બચાવ કામગીરી શરુ 

ઘટનાની જાણ થતાં જ હજારો લોકો ડેમની આસપાસ એકઠા થઈ ગયા હતા. પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી, અન્નપૂર્ણા દેવીએ ઘટના વિશે માહિતી મેળવ્યા પછી કોડરમા અને ગિરિડીહના ડેપ્યુટી કમિશનરો સાથે વાત કરી અને તેમને વહેલી તકે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે

Back to top button