અમદાવાદ, 22 ફેબ્રુઆરી 2024, શહેરમાં ફાયરિંગ, લૂંટ, ચોરી, હુમલાની ઘટનાઓ વધી રહી છે.ગત મોડી રાત્રે મણિનગરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ કરીને 11.63 લાખના દાગીનાની લૂંટ કરી હથિયારધારી શખ્સો નાસી જતાં ચકચાર મચી ગઈ છે. ચાર શખસો દુકાનમાં આવ્યા અને શોપના માલિકના લમણે રિવોલ્વર મુકી ગણતરીની મિનિટોમાં ડિસ્પ્લેમાં લગાવેલા દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. એક શખ્સ હિન્દીમાં બોલ્યો હતો કે આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં. લૂંટારાની વાત સાંભળીને દુકાનના માલિકે કહ્યું હતું કે મારી હત્યા ના કરો તમારે જે લઈ જવું હોય એ લઈ જાઓ. લૂંટ બાદમાં દુકાનના માલિકે બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ ગયા હતાં. મણિનગર પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
લોકો પીછો કરે એ પહેલાં વાહનો લઇને નાસી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઇસનપુર વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતા અમૃત માળીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. અમૃત માળી મણિનગરમાં જય ભવાની જ્વેલર્સની દુકાન ધરાવે છે. ગઇકાલે અમૃત માળી તેમની દુકાનમાં હાજર હતા. ત્યારે ચાર શખસો આવ્યા હતા. અમૃત માળી કઇ સમજે એ પહેલાં ચાર શખસો પૈકી એક શખસે તેમના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. લૂંટારા શખસે અમૃત માળીને ધમકી આપી હતી કે આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં, પહેલે પેરમેં ગોલી મારુંગા ઉસકે બાદ દિમાગમેં. અમૃત માળી લૂંટારાઓની ધમકીથી ડરી ગયા હતા. લૂંટારાઓએ દુકાનની ડિસ્પ્લેમાં મૂકેલા 11.63 લાખના દાગીના લૂંટી લીધા બાદ તેઓ ભાગી ગયા હતા. ત્યાર બાદ અમૃત માળીએ બૂમાબૂમ કરી દીધી હતી. લોકો લૂંટારાઓનો પીછો કરે એ પહેલાં તેઓ તેમનાં વાહનો લઇને નાસી ગયા હતા.
પોલીસે એફએસએલ તેમજ ડોગ-સ્ક્વોડની પણ મદદ લીધી
અમૃત માળીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. લૂંટની જાણ થતાંની સાથે જ મણિનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ પહોંચી ગઇ હતી. મણિનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચાર શખસ દુકાનમાં ઘૂસ્યા અને લૂંટની ઘટનાને અંજામ આપી નાસી ગયા, એ તમામ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. મણિનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે લૂંટ કરનારા કોણ છે એ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને શંકા છે કે લૂંટ કરવા માટે આવેલા ગઠિયાઓ બીજા રાજ્યના છે. ડિસ્પ્લેમાંથી દાગીના ચોરી લીધા બાદ લૂંટારાઓ છરો લીધા વગર નાસી ગયા હતા, જેથી પોલીસની ટીમે હથિયાર જપ્ત કર્યું છે. લૂંટની આ ઘટનામાં પોલીસે એફએસએલ તેમજ ડોગ-સ્ક્વોડની પણ મદદ લીધી છે.
આ પણ વાંચોઃસચિવાલય પાસે એક યુવક આપઘાત કરવા ઝાડ પર ચઢ્યો, ફાયર વિભાગની ટીમે નીચે ઉતાર્યો