રાજકોટઃ જેતલસર સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપુર સેસન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. જેમાં આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા તથા હત્યા પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ ફટકાર્યો છે. તેમજ પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ
ફટકાર્યો છે. તથા એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ RR ચૌધરીએ ચુકાદો આપ્યો છે. આ પહેલા ગત શનિવારે મોડી રાત્રે આરોપી જયેશ સરવૈયાને તકસીરવાન ઠેરવી જેતપુરની ફાસ્ટ ટ્રેક કોર્ટે બન્ને પક્ષને સાંભળવા માટે તા.10 માર્ચની મુદ્દત આપી હતી. જે પછી આજે અંતિમ સુનાવણી થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાત: 38 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રૂ.1 કરોડ ચૂકવાશે
સગીરાને અસંખ્ય છરીના ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
16 માર્ચ 2021માં રાજ્યભરમાં અતિ ચકચાર મચાવનાર આ ઘટના બની હતી. જેમાં એક તરફી પ્રેમમાં યુવકે છરીના 34 ઘા ઝીંકી 16 વર્ષીય સગીરાની હત્યા કરી હતી. સ્પે.પીપીએ સરકાર તરફે હત્યા કેસ નિર્ભયાકાંડ કરતા પણ વધુ અધમ કૃત્ય હતું તેવી દલીલ કરી દોષિતને ફાંસી આપવા કોર્ટમાં રજુઆત કરી હતી. બનવાની વિગત મુજબ ભર બપોરે સગીરા અને તેનો ભાઈ ઘરે એકલા હતા, ત્યારે છરી વડે હુમલો કર્યો હતો. સગીરાને અસંખ્ય છરીના ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના નાના ભાઈને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ પણ વાંચો: સુરતમાં કૌભાંડ: પોપ્યુલર બિલ્ડરના સંબંધીઓએ કરોડોની ઠગાઈ આચરી
હત્યા એટલી ક્રૂરતાથી કરાઈ હતી કે, રાજ્યભરમાં ચકચાર મચી હતી
હત્યાના બનાવ બાદ જેતપુર તાલુકા પોલીસે આરોપી જયેશ સરવૈયાની ઘરપકડ કરી હતી. હત્યા એટલી ક્રૂરતાથી કરાઈ હતી કે, રાજ્યભરમાં ચકચાર મચાવી હતી સાથે આરોપીને આકરી સજા થાય તેવી માંગ ઉઠી હતી. સત્તા પક્ષ- વિપક્ષના નેતાઓએ જેતલસર તરફની વાટ પકડી હતી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલની સ્પે.પી.પી. તરીકે સરકારે નિમણુંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ્યો હતો.
આરોપીએ 34 જેટલા છરીના ઘા કર્યા હતા
ગત મુદ્દતમાં કોર્ટમાં સ્પે.પીપીએ દલીલો કરેલી કે, આ બનાવ નિર્ભયા કેસ કરતા પણ વધુ ગંભીર હતો. નિર્ભયા કેસ અચાનક બનેલો બનાવ હતો, જ્યારે આ કેસમાં દોષિત ઠરેલ ચોટીલા ગયો હતો અને ત્યાંથી છરી લીધી હતી તેમજ કાવતરું ઘડી હત્યા નિપજાવી હતી. દોષિત જયેશની ઉંમર બનાવ વખતે 26 વર્ષ હતી. બચાવ પક્ષે દોષિત વ્યક્તિની ઉંમર નાની હોવાનો બચાવ થયેલો. જોકે નિર્ભયા કેસમાં પણ આરોપીઓની ઉંમર 25-26 વર્ષની હતી પણ કોર્ટે તે ધ્યાને લીધું નહોતું અને ચુકાદો આપેલો. આ ઉપરાંત બચાવ પક્ષે દોષિતના માતા-પિતા બીમાર હોવાની અને દોષિત આધાર હોવાની દલીલ થયેલી.
જેની સામે કોર્ટ સમક્ષ હકીકત મુકેલી કે, દોષિત તેના માતા પિતા ભેગો રહેતો નહોતો. તેને ઘરેથી કાઢી મુકાયો હતો. તે તેના મામા સાથે રહેતો હતો. ઉપરાંત આરોપીએ 34 જેટલા છરીના ઘા કર્યા હતા જેમાં એક એક ઘા માણસને મૃત્યુ નિપજાવવા બરાબર હતા. આ સિવાય મૃતકના સગીર ભાઈને પણ પાંચ ઘા મરેલા તે પણ ભાગી ગયો એટલે બચી ગયો નહિતર તેની પણ હત્યા થઈ હોત. હુમલા વખતે દોષિત ઠરેલ જયેશે કોઈ દયા બતાવી નથી જેથી અદાલત પણ દયા રાખ્યા વગર ફાંસીની સજા આપે તેવી રજુઆત થઈ હતી. જે કોર્ટે માન્ય રાખી આજે ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે.