ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જેટ એરવેઝના સ્થાપક જજની સામે રડવા લાગ્યા, કહ્યું- હું જેલમાં મરી જાઉં તો સારું..’

નવી દિલ્હી, 07 જાન્યુઆરી 2024: બંધ થઈ ગયેલી એરલાઇન જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ કેનેરા બેંક સાથે રૂ. 538 કરોડની છેતરપિંડીના કેસમાં ફસાયા છે. શનિવારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ થતા સમયે તેમની આંખોમાં આંસુ છલકાઈ ગયા હતા. ભાવુક થઈ તેમણે કહ્યું કે, મેં જીવનથી દરેક આશા ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં જીવવા કરતાં જેલમાં મરવું મારા માટે સારું રહેશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં નરેશ ગોયલની ધરપકડ કરી હતી. હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમણે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરાયા હતા અને કાર્યવાહી દરમિયાન વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ ન્યાયાધીશે તેમની વિનંતીને મંજૂરી આપી હતી.

અશ્રુભીની આંખોથી કોર્ટમાં નરેશ ગોયલે આજીજી કરી

કોર્ટના રેકોર્ડ મુજબ, 75 વર્ષીય જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે અશ્રુભીની આંખો સાથે કોર્ટને કહ્યું કે તેમની પત્ની અનિતા કેન્સરની સામે ઝઝૂમી રહી છે. તે તેમને ખૂબ જ યાદ કરે છે. તેમની સંભાળ રાખવા માટે કોઈ નથી. ગોયલે કહ્યું કે તેમની પુત્રી પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેમજ તેમના ઘૂંટણમાં સોજો આવી ગયો છે. આનાથી ઘણો દુ:ખાવો થાય છે. તેમને પેશાબ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. તે શારીરિક રીતે બહુ જ કમજોર પડી ગયા છે. તેમને જેજે હોસ્પિટલમાં મોકલવાનો કોઈ ફાયદો નથી. આ સમસ્યાઓને સાંભળીને ન્યાયાધીશે કહ્યું કે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરેક શક્ય કાળજી લેવામાં આવશે અને સારવાર પૂરી પાડવામાં આવશે.

ગોયલ 538 કરોડ રૂપિયાના બેંક ફ્રોડમાં આરોપી

હાલની વાત કરીએ તો નરેશ ગોયલ 538 કરોડ રૂપિયાના કેનેરા બેંક ફ્રોડ કેસમાં આરોપી છે. કોર્ટના રેકોર્ડ અનુસાર, 1 સપ્ટેમ્બર 2022ના રોજ ગોયલને આ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હાલ તે મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. નોંધનીય છે કે ગયા વર્ષે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા લોકો સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો દાખલ કર્યા હતા. જેના કારણે કેનેરા બેંકને 538.62 કરોડનું નુકસાન થયું હતું.

કેસની આગામી સુનાવણી 16મી જાન્યુઆરીએ થશે

કોર્ટે તેમના વકીલોને તેમના સ્વાસ્થ્ય અંગે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા મહિને તેની જામીન અરજીમાં ગોયલે હૃદય, પ્રોસ્ટેટ, હાડકાં વગેરે જેવી વિવિધ બિમારીઓનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે દોષિત નથી તેવું માનવા માટે વાજબી કારણો છે. EDએ તેમની અરજી પર જવાબ દાખલ કર્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 જાન્યુઆરીએ થશે.

આ પણ વાંચો: રાકેશ ટિકૈતના નામથી મહિલા સાથે લાખોની ઠગાઈ, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

Back to top button