NCPમાં બળવા પછી એકનાથ શિંદે સામે સંકટ; અયોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ અરજી


Maharashtra Political Crisis: NCPમાં બળવા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલાને હજુ પણ સ્પીકર પાસે પેન્ડિંગ હોવાનો હવાલો આપ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી પણ અત્યાર સુધી સ્પીકરે એકનાથ શિંદે અને તેમના સાથે પાર્ટીમાંથી બળવો કરનારા ધારાસભ્યોની અયોગ્યતાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મે મહિનામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટનો આદેશ
પાછલા વર્ષ 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો થયો હતો. તે પછી શિવસેના (શિંદે ગુટ)એ બીજેપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. તેના વિરૂદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમના સાથે 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષ મે મહિનામાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કેસને મોટી બેન્ચ પાસે મોકલી દીધો હતો. કોર્ટે કહ્યું, રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટ આપવાનો આદેશ ખોટો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેની સરકારને પુન:સ્થાપિત કરી શકાય નહીં, કેમ કે તેમને પોતે રાજીનામું આપી દીધું હતું.
અયોગ્યતા પર સુપ્રીમે આપ્યો હતો સ્પીકરને આદેશ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય સ્પીકર પર છોડી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, 16 ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય કરશે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને આ મામલે ઝડપી નિર્ણય લેવાનું કહ્યું હતુ. કોર્ટે ટિપ્પણી કરી હતી કે પાર્ટીમાં ભાગલા અયોગ્યતા કાર્યવાહીથી બચવાનો આધાર હોઇ શકે નહીં.
આ પણ વાંચો-અજિત પવાર અને તેમના સહયોગીઓ સામે ભ્રષ્ટાચારના કેસમાં હવે શું થશે?