ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પોલીસ કસ્ટડીમાં મોકલાયો, રીમાન્ડ માટે કાલે કોર્ટમાં રજૂ કરાશે
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનામાં ભાગેડુ આરોપી તરીકે ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને જયસુખ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કોર્ટમાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે કોર્ટે હુકમ કર્યો હતી જેથી તેને સબ જેલમાં લઈને ગયા હતા અને બીજી બાજુ તેને તપાસના કામે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ તપાસનીશ અધિકારી દ્વારા કરવામાં આવી હતી અને કોર્ટે આરોપીને જેલમાંથી લેવા માટેનો હુકમ કરી દીધો હોવાથી હાલમાં તપાસનીશ અધિકારી દ્વારા તેનો કબજો લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. હવે કાલે તેના રિમાન્ડની માંગણી માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પટેલના 10 દિવસના રીમાન્ડ મંગાઈ તેવી શક્યતા છે.
અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
મોરબીમાં ત્રણ મહિના પહેલા મચ્છુ નદી ઉપરનો વર્ષો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબીના બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પુલનું મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું તેમાં ભાગેડુ આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું તેવું ચાર્જસીટ મેળવનારા આરોપીઓના પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.
આજે બપોરે કર્યું સરેન્ડર, આગોતરા અરજી વિડ્ર કરે તેવી શક્યતા
જો કે, તા.1 ના રોજ મોરબીની કોર્ટમાં જયસુખ પટેલની આગોતરા જામીનની અરજી માટેની સુનવણી હાથ ધરવામાં આવનાર હતી ત્યાર પહેલાં તા.31 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું છે જેથી કરીને સંભવત આગોતરા જામીન માટે જે અરજી કરવામાં આવી છે તેને વિડ્રો કરવામાં આવશે તેવું ચર્ચાઇ રહ્યું છે અને આજે કોર્ટના જજ હુકમથી જયસુખભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની સબજેલમાં મોકલવામાં આવેલ હતા અને ત્યારબાદ આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા કોર્ટમાં આરોપીની તપાસના કામે જરૂર હોવાથી તેનો કબજો લેવા માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ધ્યાને લઈને આરોપીનો કબજો આપવા માટે હુકમ કરી દીધેલ છે જેથી કરીને મોરબીની સબ જેલમાંથી જયસુખ પટેલનો કબ્જો મેળવવા માટેની તપાસનીશ અધિકારી દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે તેવું જાણવા મળેલ છે.