જયેશ રાદડિયાએ AAP પર સાધ્યું નિશાન, કહ્યું- જે લોકો ગેંરટી આપે છે તેમની ગેરંટી કોણ આપશે?


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપને આ વખતે આમઆદમી પાર્ટી ખરી ટક્કર આપી રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓની અડફેટે કોંગ્રેસ નહીં પરંતુ આપ જોવા મળે છે. દિલ્હી, પંજાબ સર કર્યા બાદ ગુજરાતમાં મજબૂત જનાધાર મેળવવા આપ દ્વારા વિવિધ ગેરંટીઓ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વીરપુર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર નિશાન તાક્યું હતું. જયેશ રાદડિયાએ કહ્યું કે- જે લોકો ગેંરટી આપે છે તે નેતાની ગેરંટી કોણ આપશે. તેમણે ઉમેર્યું હતું કે અમે તો ગેરંટીવાળા નેતા છીએ. જે બોલીએ છીએ તે કરીએ છીએ. તેમણે આમઆદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મત માંગવા નીકળી પડયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો.
જયેશ રાદડિયાના નિશાને AAP. વીરપુર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર નિશાન તાકતા જયેશે જણાવ્યું હતું કે, જે લોકો ગેંરટી આપે છે તેમની ગેરંટી કોણ આપશે#AAPGujarat #AAP #JayeshRadadiya #BJP #Gujarat #gujaratinews #arvindkejriwal #virpur #Rajkot #humdekhengenews pic.twitter.com/ACAXjJAE1C
— Hum Dekhenge News (@humdekhengenews) September 22, 2022

AAPએ આપ્યા છે અનેક ચૂંટણી વચનો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે.તેમણે કહ્યુ કે, 31 ડિસેમ્બર પહેલાના તમામ જુના બિલ માફ કરવામાં આવશે. લોકોને ખોટા બિલો ન આવે તેવી પણ વ્યવસ્થા કરીશુ. આ પ્રકારના વચનો આપતા ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસે પણ કરી છે વચનોની લ્હાણી
કોંગ્રેસે પણ માછીમારોને ધ્યાનમાં રાખતા વચનોની લ્હાણી કરી હતી અને કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ આપશે.
