યોગી સરકારના નેમ પ્લેટના નિર્ણયનો જયંત ચૌધરીએ કર્યો વિરોધ, કહ્યું…
- જયંત ચૌધરીએ કાવડ યાત્રા પર યોગી સરકારના નિર્ણય વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આ નિર્ણય વિચારીને લીધો નથી
મુઝફ્ફરનગર, 21 જુલાઈ: યુપીના મુઝફ્ફરનગરમાં બીજેપીના સહયોગી આરએલડીના ચીફ જયંત ચૌધરીએ કાવડ માર્ગ પરની નેમ પ્લેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારે આ નિર્ણય બહુ વિચારીને લીધો નથી. હજુ પણ સમય છે, આ નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ અથવા તેના પર વધારે જોર ન આપવું જોઈએ.
જયંત ચૌધરીએ બીજું શું કહ્યું?
જયંતે કહ્યું, ‘કાવડ લઈ જનાર કે સેવા કરતા વ્યક્તિની કોઈ ઓળખ નથી હતી. ધર્મ કે જાતિના આધારે કોઈ સેવા લેતું નથી. આ બાબતને ધર્મ અને જાતિ સાથે પણ ન જોડવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની દુકાનો પર નામ લખી રહી છે. મેકડોનાલ્ડ્સ અને બર્ગર કિંગ લખશે?’
જયંતે કહ્યું, ‘સરકારે બહુ વિચારીને આ નિર્ણય નથી લીધો. હવે જ્યારે નિર્ણય લઈ જ લીધો છે ત્યારે તેનને વળગી રહ્યા છે. આમાં મુસ્લિમો શાકાહારી પણ છે અને હિંદુઓ માંસાહારી પણ છે. હવે ક્યાં-ક્યાં નામ લખે? શું હવે આપણે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરવું જોઈએ? જેથી આપણે મળીએ ત્યારે ખબર પડે કે હાથ મિલાવવાનો છે કે ગળે મળવાનું છે.
શું મુસ્લિમ ઉમેદવાર સાથે કોઈ એંગલ છે?
સૂત્રો જણાવી રહ્યા છે કે જયંત ચૌધરીની પાર્ટી આરએલડી મુઝફ્ફરનગરની મીરાપુર સીટની પેટાચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારવા માંગે છે. મીરાપુર મુસ્લિમ પ્રભુત્વવાળી સીટ છે અને 2022માં આરએલડીના ચંદન ચૌહાણ અહીંથી જીત્યા હતા. હવે ચંદન બિજનૌરથી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી છે. જે બાદ જયંત ચૌધરીએ પૂર્વ સાંસદ અમીર આલમના પુત્ર નવાઝિશ આલમને મીરાપુરથી ઉમેદવાર બનાવવાની વાત કરી છે. જયંતના ભાજપમાં જવાથી મુસ્લિમ મતો આરએલડીથી દૂર થઈ ગયા છે. કાવડ યાત્રા પર યોગી સરકાર વિરુદ્ધ જયંતના નિવેદનને આ રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મુઝફ્ફરનગરઃ ખાણી-પીણી બાદ હવે ટાયર પંચરની દુકાનો પર પણ લગાવવામાં આવી નેમ પ્લેટ