હાર્દિકની પસંદગી દબાણ હેઠળ થઇ છે – જય શાહે હિન્ટ આપી
17 મે, મુંબઈ: IPL 2024 હવે પૂર્ણ થવાના આરે છે. આવતા અઠવાડિયે IPLના પ્લેઓફ્સ અને ફાઈનલ રમાઈ જશે. ત્યારબાદ ICC T20 World Cupનો ઉત્સાહ ક્રિકેટ પ્રેમીઓ પર છવાઈ જશે. પરંતુ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયામાં હાર્દિકની પસંદગી કોઈ દબાણ હેઠળ થઇ છે એવા સમાચાર થોડા દિવસ અગાઉ પ્રસિદ્ધ થયા હતા.
શરૂઆતમાં તો તેને મીડિયામાં ચ હાલી રહેલી અટકળો ગણવામાં આવી હતી પરંતુ હવે ખુદ BCCIના સેક્રેટરી જય શાહે આ બાબતે એક મોટી હિન્ટ આપી દીધી છે. જય શાહે એક જાણીતા અખબારને આપેલી મુલાકાતમાં એ બાબત પર ભાર મુક્યો હતો કે કોઇપણ ખેલાડીની પસંદગી કરતી વખતે વિદેશની વિકેટો પર તેનો દેખાવ કેવો રહ્યો છે તેના વિશે પણ ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને જો એ ટુર્નામેન્ટ T20 વર્લ્ડ કપ હોય.
જય શાહે કહ્યું હતું કે, ‘આ ટીમમાં અનુભવ અને ફોર્મનું યોગ્ય બેલેન્સ છે. સિલેક્ટર્સ ફક્ત IPLના સારા દેખાવ ઉપર જ ટીમની પસંદગી ન કરી શકે, વિદેશની પીચો પર રમવાનો અનુભવ પણ આ પસંદગી માટેનું એક કારણ હોવું જોઈએ.’
જય શાહની આ હિન્ટ સ્પષ્ટ કહી જાય છે કે અગાઉ પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ્સ કે હાર્દિકની પસંદગી દબાણ હેઠળ કરવામાં આવી છે તેને સાબિત કરે છે. અગાઉ જણાવવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર વર્લ્ડ કપની ટીમમાં મુખ્ય સિલેક્ટર અજિત આગરકર અને કેપ્ટન રોહિત શર્મા હાર્દિક પંડ્યાને સામેલ કરવા માંગતાં ન હતા, પરંતુ કોઈ દબાણ હેઠળ તેમને આ પસંદગી કરવી પડી છે.
પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ હાલની IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની કરતાં હાર્દિક પંડ્યાની બેટિંગ અને બોલિંગ બંને તદ્દન નિષ્ફળ રહી છે. વળી કપ્તાનીમાં પણ તેણે કોઇપણ રીતે પ્રભાવ પાડી શકે તેવો દેખાવ કર્યો નથી. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈની ટીમ આ વર્ષની IPLમાં પ્લેઓફ્સની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ હતી. આટલું જ નહીં મોટેભાગે આ વર્ષે પોઈન્ટ્સ ટેબલમાં પણ મુંબઈની ટીમ છેલ્લા સ્થાને રહેશે એવું લાગી રહ્યું છે.
આમ છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે તે કોઈ દબાણ હેઠળ જ કરવામાં આવ્યો હોય તેવી જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી તે જય શાહની હિન્ટ બાદ સાચી ઠરી છે.