શું સૌરવ ગાંગુલીનું પત્તું કપાશે? જય શાહને BCCI પ્રમુખ બનાવવાની તૈયારીઓ….
સુપ્રીમ કોર્ટે BCCI એક્ટમાં સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ એક ટર્મ વધુ બોર્ડનો હિસ્સા રહી શકે છે. વર્ષ 2019 2019માં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બોર્ડના પ્રમુખ બન્યા. તો બીજી તરફ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ BCCIના સચિવ બન્યા.
ચૂંટણીની તૈયારી
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે BCCIમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. બોર્ડ ટૂંક સમયમાં તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) બોલાવવા જઈ રહ્યું છે. બંધારણમાં સુધારો કરવાનો નિર્ણય લીધા બાદ રાજ્ય એસોસિએશનોને નવેસરથી ચૂંટણી માટે નોટિસ આપવામાં આવશે. બીસીસીઆઈના વર્તમાન અધિકારીઓ આ મહિને તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ કારણોસર ફરીથી ચૂંટણી યોજાશે.
શું હવે જય શાહ પ્રમુખ બનશે?
શું 34 વર્ષીય જય શાહ હવે બીસીસીઆઈના પ્રમુખ બનશે? 15 રાજ્ય એસોસિએશન જય શાહને BCCIના નવા અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. મોટાભાગના સભ્યો માને છે કે કોરોના હોવા છતાં IPLને સફળ બનાવવામાં જય શાહનો મોટો હાથ છે. આ સાથે બોર્ડે IPLના મીડિયા અધિકારોથી 48,390 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજ્ય એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે, “આ યોગ્ય સમય છે કે શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની બાગડોર સંભાળે અને તમામ એસોસિએશન તેમને ટેકો આપવા તૈયાર છે.” જો કે, સવાલ એ પણ છે કે જો જય શાહ બોર્ડના પ્રમુખ બનશે તો સૌરવ ગાંગુલીનું શું થશે?