28 મે, મુંબઈ: ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ સહુથી આગળ ચાલી રહ્યું છે. આમ તો BCCIને આ પદ માટે 3000થી પણ વધુ અરજીઓ મળી છે પરંતુ ગંભીર માટે BCCI ખૂબ સિરિયસ છે તે એક વેબસાઈટના અહેવાલ પરથી ખ્યાલ આવી જાય છે. આ વેબસાઈટ દ્વારા BCCI સેક્રેટરી જય શાહ અને ગંભીરની ચર્ચા લીક કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે જય શાહ જ્યારે હાલમાં જ ચેન્નાઈ ખાતે રમાયેલી IPL 2024ની ફાઈનલ બાદ ગૌતમ ગંભીરને અભિનંદન આપી રહ્યા હતા ત્યારે આ બંને વચ્ચે અમુક સેકન્ડ્સ માટે ચર્ચા થઇ હતી. આ વેબસાઈટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જય શાહ અને ગંભીરની ચર્ચા દરમ્યાન શાહે ગંભીરને કહ્યું હતું કે ‘દેશ કે લિયે કરના હૈ’.
જય શાહનું આ વાક્ય ઘણુંબધું કહી જાય છે. આમ કહીને જય શાહે ગંભીરને સ્પષ્ટ શબ્દોમાં ટીમ ઇન્ડિયાના આગામી કોચ માટે BCCI તેનું નામ નક્કી કરી ચૂક્યું છે એમ જણાવી દીધું હતું.
જોકે સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે KKR ટીમના માલિક શાહરૂખ ખાન અને ગૌતમ ગંભીર વચ્ચે કૌટુંબિક સંબંધો છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ વર્ષે જ્યારે ગંભીરને KKRના મેન્ટર બનાવતા અગાઉ શાહરૂખે તેની પાસેથી વચન લીધું હતું કે તે આગામી દસ વર્ષ માટે ટીમને મેન્ટર કરશે. આટલું જ નહીં શાહરૂખે ગંભીરને કોરો ચેક પણ આપી દીધો હતો.
પરંતુ ઉપરોક્ત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાનને જય શાહે ગૌતમ ગંભીરને શું કહ્યું છે તેના વિશે ખબર છે. આથી હવે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનું કોચ પદ સ્વીકારશે કે નહીં એ બધું ગંભીર અને શાહરૂખ વચ્ચે જ્યારે પણ આ મુદ્દે મિટિંગ થશે તેના પર આધારિત છે.
ગૌતમ ગંભીરની દેશભક્તિ વિશે તમામને ખબર જ છે આવામાં જય શાહનું વાક્ય કે, ‘દેશ કે લિયે કરના હૈ’ કદાચ તેનું કામ કરી જશે. ગૌતમ ગંભીર આમ પણ એક સારા લીડર અને મેન્ટર તરીકે જાણીતા છે આથી ICC T20 World Cup પત્યા પછી તુરંત જ BCCI તેમના નામની જાહેરાત કરી દેશે તે શક્ય છે.