IPL-2024વિશેષસ્પોર્ટસ

ગ્રાઉન્ડ્સ મેનોને માલામાલ કરી દેશે જય શાહની જાહેરાત

27 મે, મુંબઈ: T20 ક્રિકેટના તમામ રેકોર્ડ્સ તોડતી IPL 2024ની પૂર્ણાહુતિ બાદ BCCI તમામ ગ્રાઉન્ડ્સ મેનો પર ઓળઘોળ થઇ ગઈ છે. BCCIના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર જાહેરાત કરી છે કે IPL 2024 જ્યાં રમાઈ છે તે તમામ સ્ટેડિયમોના ગ્રાઉન્ડ્સ મેનોને કેશ આપવામાં આવશે. જય શાહની જાહેરાત તમામ ગ્રાઉન્ડ્સ મેનો માટે જરૂર આનંદના સમાચાર લઈને આવશે.

ગઈકાલે ફાઈનલ પત્યા બાદ થયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં IPL દ્વારા હૈદરાબાદના સ્ટેડિયમની પીચને આ સિઝનની શ્રેષ્ઠ પીચ જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હૈદરાબાદના ગ્રાઉન્ડ્સ મેનને 50 લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

પરંતુ જય શાહની જાહેરાત BCCI તરફથી છે અને તેની ઇનામી રકમ અલગથી આપવામાં આવશે. જય શાહે જણાવ્યું હતું કે પૂર્ણ થયેલી IPLના કોઈ હિરો છે જેમને કોઈ યાદ નથી કરતું તો તે છે તમામ સ્ટેડિયમોના ગ્રાઉન્ડ્સ મેનો છે. તેમણે રાતદિવસ એક કરીને થકવી નાખતી મહેનત કરી છે અને અદ્ભુત પીચો તૈયાર કરી છે.

અમુક જગ્યાએ તો વાતાવરણ પણ તેમની તરફેણમાં ન હતું તો પણ તેમણે ફક્ત સારી પીચ જ તૈયાર ન કરી પરંતુ  જ્યારે જરૂર પડી ત્યારે મેદાનને મેચ માટે રેડી પણ રાખ્યું હતું. આથી, જય શાહના કહેવા અનુસાર BCCI પોતાની ફરજરૂપે તમામ ગ્રાઉન્ડ્સ મેનોને 25 લાખ રૂપિયાના કેશ પ્રાઈઝની જાહેરાત કરે છે.

જય શાહ અનુસાર તમામ 10 ફ્રેન્ચાઈઝીઓના રેગ્યુલર સ્ટેડિયમ ઉપરાંત ત્રણ અન્ય સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સ મેનો કેશ પ્રાઈઝ માટે લાયક છે. જે ત્રણ અન્ય સ્ટેડિયમની વાત કરવામાં આવી છે તેમના ગ્રાઉન્ડ્સ મેનોને 10-10 લાખના કેશ પ્રાઈઝ આપવામાં આવશે.

10 મુખ્ય સ્ટેડિયમમાં મોહાલી, દિલ્હી, જયપુર, લખનૌ, કોલકાતા, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, હૈદરબાદ અને ચેન્નાઈ સામેલ છે. જ્યારે ત્રણ અન્ય સ્ટેડિયમોમાં ધરમસાલા, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે.

ધરમસાલા એ પંજાબ કિંગ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ હતું જ્યારે વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પોતાના ઘરથી દૂર બીજું ઘર બન્યા હતા.

કાયમ BCCIની ટીકા થતી હોય છે પરંતુ આ રીતે તેણે તમામ ગ્રાઉન્ડ્સ મેનોને જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેની નોંધ ક્રિકેટ વિશ્વમાં સકારાત્મક રીતે જરૂર લેવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Back to top button