યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનના ડાયલોગ પર ભડક્યા જાવેદ અખ્તર
- યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં ફેમિનિઝમને અયોગ્ય રીતે દર્શાવવાનો જાવેદ અખ્તર આક્ષેપ કર્યો. તેમણે ફિલ્મની અભિનેત્રી અકીરા એટલે કેે અનુષ્કાના ડાયલોગની નિંદા કરી
25 જુલાઈ, મુંબઈઃ દિગ્ગજ ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તર તેમના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન પર નિશાન સાધ્યું છે. શાહરૂખ ખાન, કૈટરિના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મના એક ડાયલોગ પર જાવેદ અખ્તરે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે મેકર્સ પર જાણ્યા વિચાર્યા વગર ફેમિનિઝમને અયોગ્ય રીતે દર્શાવવાનો આક્ષેપ કર્યો છે.
જાવેદ અખ્તર તાજેતરમાં ‘બી અ મેન’ના એક એપિસોડમાં સામેલ થયા હતા. અહીં તેમણે વાતચીત દરમિયાન યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનનું ઉદાહરણ આપ્યું અને ફિલ્મમાં અનુષ્કા શર્માના પાત્ર અકીરાના ડાયલોગ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે ફિલ્મમાં એક સશક્ત મહિલાને ખોટી રીતે દર્શાવાઈ છે.
કયા ડાયલોગ પર ભડક્યા જાવેદ અખ્તર?
જાવેદ અખ્તરે ફિલ્મનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે યશ ચોપરા સાહેબની ફિલ્મ જબ તક હૈ જાનમાં અકીરા કહે છે કે આ દુનિયામાં જેટલી નેશનલિટી છે, દરેક નેશનાલિટીના પુરુષ સાથે સૂઈ ગયા પછી જ હું લગ્ન કરીશ. અરે ભાઈ તુ આટલી મહેનત શા માટે કરીશ. તુ મોર્ડન છે. સારી છે, તો આગળનું વિચાર ને. માની જઈએ છીએ ચાલો. આટલી મહેનતની જરૂર નથી તારે, કેમકે દુનિયામાં તો બહુ નેશનાલિટી છે. તેના ચક્કરમાં ન પડ.
ફેમિનિઝમનો મતલબ ખબર નથી
જાવેદ અખ્તરે આગળ કહ્યું કે હવે આ શું છે. આ ડાયલોગનો મતલબ શું છે. ક્યાંથી આવ્યો આ યશ ચોપરાની ફિલ્મમાં. કેમકે તે સશક્ત છોકરીને બતાવવા ઈચ્છતા હતા? શું તેમની પાસે એ સ્પષ્ટ ન હતું કે એક સશક્ત છોકરી શું હોય છે? તેથી તે વાતને વધારીને કહે છે. જાવેદે કહ્યું કે આજે પણ ફિલ્મ નિર્માતાઓ આધુનિક ભારતીય મહિલાના વિચારને લઈને ભ્રમિત છે. ઉલ્લેખનીય છે કે જબ તક હૈ જાન 13 નવેમ્બર, 2012ના રોજ રીલીઝ થઈ હતી અને તે યશ ચોપરા નિર્દેશિત આખરી ફિલ્મ હતી. આ ફિલ્મ રીલીઝ થયાના એકાદ મહિના પહેલા જ યશ ચોપરાનું નિધન થયું હતું.
આ પણ વાંચોઃ અલગ થયા બાદ નતાશાની પોસ્ટ પર હાર્દિકની કોમેન્ટ, ફેન્સ થયા ખુશ