તાજા ICC રેન્કિંગ પણ કહી રહ્યા છે ‘બૂમ બૂમ બુમરાહ’! -જાણીએ વિગતો
12 જૂન, અમદાવાદ: દરેક T20I મેચ બાદ ICC પોતાના રેન્કિંગ અપડેટ કરતું હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ICC T20 World Cup 2024ની મેચ બાદ પણ ICCએ પોતાના બોલર્સ રેન્કિંગ અપડેટ કર્યા છે અને આ અપડેટ જોરશોરથી બોલી રહ્યા છે કે, ‘બૂમ બૂમ બુમરાહ’! આમ થવા પાછળનું કારણ એ છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લેટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં જબરો ફાયદો મેળવ્યો છે. ચાલો જાણીએ આ તાજા રેન્કિંગ વિશે વધુ વિગતો.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અપડેટમાં ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદીલ રશીદ હજી પણ પહેલા નંબરે પોતાનું સ્થાન જમાવીને બેઠો છે. આદીલ રશીદના કુલ 707 રેટિંગ પોઈન્ટ્સ છે. તો શ્રીલંકાનો સ્પિનર વાનીન્દુ હસારંગા 676 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. પરંતુ આ રેન્કિંગમાં ત્રીજું સ્થાન એક નવા બોલરને મળ્યું છે અને તે છે અફઘાનિસ્તાનનો રાશીદ ખાન. રાશીદ ખાનને ત્રણ સ્થાનનો ફાયદો મળ્યો છે. તો ચોથા નંબરે ચાર સ્થાનનો કુદકો લગાવીને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરીખ નોર્કીયા ટોપ 5માં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો છે.
જોકે નોર્કીયાને પોતાનું ચોથું સ્થાન અફઘાનિસ્તાનના બોલર ફઝલ હક ફારૂકી સાથે શેર કરવું પડ્યું છે. તો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ભારતના લેફ્ટ આર્મ ઓફ સ્પિનર અક્ષર પટેલને અનુક્રમે એક અને બે સ્થાનનું નુકશાન ભોગવવું પડ્યું છે. હેઝલવુડ છઠ્ઠા સ્થાને તો અક્ષર પટેલ સાતમા સ્થાને આવી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝનો અકીલ હોસેન, શ્રીલંકાનો મહીશા થીક્શાના અને ભારતનો રવિ બિશ્નોઈ અનુક્રમે આઠ, નવ અને દસ નંબરે આવીને ટોપ ટેન રેન્ક્સને પૂર્ણ કરે છે.
જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તે ઘણા લાંબા સમય બાદ T20I રમી રહ્યો છે અને તે પણ વર્લ્ડ કપમાં, પરંતુ આયરલેન્ડ અને ખાસ કરીને પાકિસ્તાન સામે અદ્ભુત બોલિંગ કરીને તેણે આ રેન્કિંગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. બૂમ બૂમ બુમરાહ તરીકે ઓળખાતા આ ફાસ્ટ બોલરે 42 સ્થાનોનો ફાયદો મેળવ્યો છે અને હવે તે 69માં સ્થાને પહોંચી ગયો છે. બુમરાહને 448 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે.
ટીમ ઇન્ડિયાના એક અન્ય બોલર મોહમ્મદ સિરાજને પણ ફાયદો થયો છે. તે 19 સ્થાન આગળ વધીને બુમરાહથી એક સ્થાન આગળ 68માં સ્થાને આવી ગયો છે.