વર્લ્ડ

જાપાન PM ફ્યુમિયો કિશિદા બે દિવસના ભારત પ્રવાસે, PM મોદી સાથે આ મુદાઓ પર થશે ચર્ચા

જાપાનના PM ફ્યુમિયો કિશિદા સોમવારે તેમની બે દિવસની ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા છે. ભારત સરકાર વતી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર સત્તાવાર રીતે તેમનું સ્વાગત કર્યું. સત્તાવાર માહિતી અનુસાર, જાપાનના PM ફ્યુમિયો કિશિદા લગભગ 27 કલાક ભારતમાં રહેશે. ભારત પ્રવાસની શરૂઆતમાં જાપાનના PM કિશિદાએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીની સમાધિ પર નમન કર્યા હતા.

ભારતની મુલાકાતે આવેલા જાપાનના PM કિશિદા સોમવારે જ PM મોદીને મળવાના હતા. આ દરમિયાન બંને વિશ્વના અગ્રણી રાજનેતાઓ ભારતીય સરહદ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.

આ પણ વાંચો : જાપાનની ધરતી પર ‘નમો નમો’: 30થી વધુ ઉદ્યોપતિઓ સાથે PM મોદીની મુલાકાત

જાપાનના PM કિશિદા PM મોદી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરશે

જાપાનના PM ફ્યુમિયો કિશિદા આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટ અને મે મહિનામાં હિરોશિમા ખાતે યોજાનાર G7 સમિટને લઈને PM મોદી સાથે ચર્ચા કરશે. કારણ કે આ વર્ષે જાપાન G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે જયારે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓ ચર્ચા કરશે કે આ વૈશ્વિક પ્લેટફોર્મ પર કેવી રીતે એકબીજા વચ્ચે સંબંધને વધુ વધારી શકે. જાપાન PM કિશિદા PM મોદીને G7 બેઠક માટે પણ આમંત્રણ આપવાના છે. વિશ્વમાં શાંતિ માટે બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરશે. ભારત આ મામલે તટસ્થતાની નીતિ જાળવી રાખશે. આ સિવાય તેમની વચ્ચે સંરક્ષણ, રોકાણ અને વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્વાસ્થ્ય સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ PM MITRA પાર્ક અંગે મોટી જાહેરાત કરતાં સુરત સહિત દ.ગુજરાતમાં 50 હજાર રોજગારની શક્યતા

જાપાન અને ભારતના વડાપ્રધાન વર્ષ 2022માં ત્રણ વખત મળ્યા હતા

અગાઉ, જાપાનના PM ફ્યુમિયો કિશિદા માર્ચ 2022માં વાર્ષિક ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તે દરમિયાન, PM મોદી સાથેની મુલાકાત દરમિયાન, જાપાન PM કિશિદાએ આગામી પાંચ વર્ષ માટે ભારતમાં 3,20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી.

આ સિવાય વર્ષ 2022માં PM મોદીએ તેમની જાપાનની બે મુલાકાત દરમિયાન PM કિશિદા સાથે મુલાકાત કરી હતી. મે 2022 માં, PM મોદી QUAD દેશોની બેઠકમાં ભાગ લેવા અને સપ્ટેમ્બર 2022માં જાપાનના ભૂતપૂર્વ PM શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા. 2022ની જેમ આ વર્ષે 2023માં પણ G20, G7 અને QUAD બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ત્રણ વખત મુલાકાત થવાની સંભાવના છે.

Back to top button